જૂનાગઢ શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ : કોર્પોરેશન પાસે કોઈ નક્કર આયોજન જ નથી
જૂનાગઢ તા.ર૮
જૂનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં શેરીઓ-ગલીઓમાં અને રસ્તા ઉપર શ્વાનનાં સામાન્ય દ્રશ્ય છે રસ્તે જતા લોકોને અચાનક પાછળથી આવી અને કરડવાના બનાવો બની રહ્યા છે. અને જેની સામે કેટલીક શેરીઓમાં તો પુરતી સાવચેતી સાથે નીકળવું પડે તેવી સ્થિતિ છે અને જાે બેદરકારીથી ચાલતા જઈ રહ્યા હોય અને ત્યારે શ્વાનના આતંકનો ભોગ બને તે નક્કી નહીં તેવું ભયભીત વાતાવરણ છે. રસ્તે રખડતા શ્વાનના આતંકને નાબુદ કરવા તેમજ લોકોને વારંવાર બચકા ભરી અને ઈજાગ્રસ્ત બનાવતા શ્વાનોને પકડી લેવાની અને અન્યત્ર છોડી દેવાની કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે પરંતુ કોર્પોરેશન તંત્ર પાસે હાલ કુતરાને રાખવા માટેનું શેલ્ટર હોમ ન હોવાને કારણે કુતરાને તેઓ પકડી અને પુરી શકતા નથી. જાેકે, નજીકના સમયમાં જૂનાગઢ શહેરમાં કુતરાને રાખવા માટેનું શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના શહેરોમાં કુતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં પણ ગલીએ ગલીએ રખડતા કુતરાઓનો ત્રાસ રહેલો છે અને રસ્તે જઈ રહેલા લોકો તેના હુમલાનો ભોગ પણ બની રહ્યા છે. કુતરૂ કરડે એટલે ધનુરવા અને હડકવાનો રોગ ન થાય તેના માટે નિયમ મુજબ ઈન્જેકશનો લેવા પડે તેમજ કેટલોક સમય પરેજી પણ રાખવી પડે તેવી તબીબો દ્વારા અપાયેલી સારવાર અને સુચનાનું પાલન કરવું જ પડે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં મુખ્ય માર્ગોથી લઈ દરેક ચોકમાં પણ જ્યાં જુઓ ત્યાં કુતરા બેઠેલા જોવા મળતા હોય છે. કયાંક તો ૭-૮ની સંખ્યામાં કુતરાનું ટોળુ બેઠુ હોય છે અને તેવા રસ્તા પરથી પસાર થાવું એટલે ખતરો તો રહે છે કારણ કે, રસ્તે પસાર થનાર રાહદારીને એ તો ખબર નથી કે અહીં બેઠેલા આ કુતરાઓમાંથી કયુ કુતરૂ હુમલો કરશે ? પરંતુ એક બાબત ચોક્કસ છે કે, જેમ સિંહ, વાઘ, દીપડા કે અન્ય હિંસક પ્રાણીઓ હોય તે માણસનું લોહી ચાખી જાય અને વારંવાર હુમલા કરે છે ત્યારે શ્વાનમાં પણ એક લક્ષણ જાેવા મળ્યું છે કે, જે કુતરૂ એકવાર માણસને બચકા ભરે તે કુતરૂ બચકા ભરવા માટેનું હેવાયુ થઈ જાય છે અને તેને લઈને પણ આવા બનાવો સતત વધી રહ્યા છે. કુતરાના આતંક સામે પગલા કેવી રીતે ભરી શકાય તે અંગે જાેઈએ તો સામાન્ય રીતે કોર્પોરેશન તંત્ર દ્વારા જે-તે વિસ્તારમાં કુતરાનો આતંક હોય ત્યાંથી કુતરાને પકડી અને અન્યત્ર છોડી મુકવામાં આવતા હોય છે પરંતુ હાલ એ શકય નથી. તેવા નિર્દેશો મળી રહ્યા છે. બે માસ પહેલા સુપ્રિમ કોર્ટની એવી ગાઈડલાઈન હતી કે, જે શ્વાન આતંક ફેલાવતા હોય તેવા શ્વાનોને પકડી અને શેલ્ટર હોમમાં તેને રાખવા જાેઈએ. તો જૂનાગઢમાં તો હાલ કોર્પોરેશન પાસે શેલ્ટર હોમ નથી જેથી શ્વાનને રાખી શકાય તેમ નથી. ફકત ને ફકત ખસીકરણ અને રસીકરણ કરી શકાય તેમ છે.
જૂનાગઢ કોર્પોરેશનના વેટરનરી ડોકટર રાહુલ વાણીયા એ સૌરાષ્ટ્રભૂમિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જાહેર સ્થળો જેવા કે, કચેરીઓ, દવાખાના, હોસ્પિટલો, બગીચાઓ, નરસિંહ મહેતા સરોવર કે અન્ય જાહેર સ્થળો કે, જયાં નાના બાળકો સહિત તમામ લોકોની વિશેષ અવર-જવર રહેતી હોય તેવા સ્થળ ઉપર જાે કુતરા અંગેની ફરિયાદો રહેલી હોય તો આવા શ્વાનને પકડી અને તેનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. પરંતુ હાલ કોર્પોરેશન પાસે કુતરા માટેનું શેલ્ટર હોમ નથી. જૂનાગઢ કોર્પોરેશન પાસે કુતરાને રસીકરણ અને ખસીકરણ કરવા માટેનું કેન્દ્ર રહેલું છે. અને તે ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર આવેલ ત્રિનેત્ર મંદિર નજીક છે. અને ર૦ર૬ના આ વર્ષ દરમ્યાન કુતરા માટેનું એક જ શેલ્ટર હોમ નિર્માણ કરવામાં આવનાર છે. કુતરા પકડીને પુરવા માટે સૌપ્રથમ તેના રહેવા અને ખાવાપીવા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવી પડે અને તેના માટે શેલ્ટરહોમ બનાવવું પડે. આ શેલ્ટર હોમ નિર્માણ થયા બાદ કુતરાઓને પકડી અને તેમાં આશ્રય આપી શકશે. તેમ જણાવ્યું હતું.
| નગરજનો રામભરોસે ! જૂનાગઢમાં કુતરૂ કરડે તો કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી ! જૂનાગઢ શહેરમાં દરેક વિસ્તારમાં કુતરાના અસહ્ય ત્રાસને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કુતરા કરડવા અંગેની ફરિયાદને લઈને કોર્પોરેશન પાસે રજુઆત કરવામાં આવે છે તેમજ કુતરાને પકડવાની કામગીરી વહેલી તકે કરવી જાેઈએ તેની સામે કોર્પોરેશન તંત્ર એવું કહે છે કે, અમારી પાસે ડોગ શેલ્ટર હોમ ન હોવાથી કુતરા પકડી શકાય તેમ નથી. ત્યારે કુતરૂ કરડે તો જવાબદારી કોની ? તેવા સવાલના જવાબમાં જવાબદારો દ્વારા એવું કહેવામાં આવે છે કે, કુતરૂ કરડે તેની કોઈ જવાબદારી અમારી રહેતી નથી. આ જવાબ ઉપરથી નગરજનો રામભરોસે હોય તેવું લાગે છે. જૂનાગઢ શહેરમાં ભલે હાલ ડોગ શેલ્ટર હોમની વ્યવસ્થા નથી પરંતુ તાત્કાલીક ધોરણે જૂનાગઢ શહેરમાં કુતરાને પકડી અને તેને કોઈ ચોક્કસ જગ્યા ઉપર રહેવાનો પ્રબંધ કરવા યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠી છે. કોર્પોરેશન પાસે સત્તા છે. નાણાનો ભંડોળ છે અને જરૂર પડયે સરકાર તરફથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારે લોકોના જીવ ઉપર હાલ કુતરાનું જે સંકટ છે તેને લઈને કોર્પોરેશનના તંત્રવાહકો શા માટે કોઈ નકકર પગલા લેતા નથી તેવો સવાલ પણ ઉઠયો છે. જે કાંઈ પણ પરિસ્થિતિ હોય તેમાં વહેલી તકે કુતરા રાખવા માટેની પ્રાથમીક વ્યવસ્થા ઉભી કરવાની માંગણી ઉઠી છે. લોકો મજાકમાં એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે, કોઈ ઉચ્ચ પદાધિકારી કે સરકાર તરફથી જાે તાત્કાલીક હુકમ આવ્યો હોય અથવ તો મુખ્યમંત્રી તેમજ અન્ય કોઈ મંત્રી જૂનાગઢની મુલાકાતે આવવાના હોય ત્યારે કેમ રાતોરાત રસ્તા રીપેર થઈ જાય, દવાના છંટકાવ થઈ જાય, રસ્તા ઉપર કયાંય કચરો ન દેખાય, કુતરાના ટોળા ન દેખાય, ગાયોના જમેલા ન દેખાય આવી જ બધી જ કામગીરી રાતોરાત કરી નાખવા માટે મનપાનો બાહોશ તંત્ર કામે લાગે અને કામગીરી પુરી પણ કરી દયે છે. તો કુતરા પકડવાની અને તેને નિયત સ્થળે રાખવાની બાબતમાં કેમ અસરકારક કામગીરી કરતું નથી ? શું આ કામમાં નાણા મળી શકે તેમ નથી ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. |


