જૂનાગઢમાં આવતીકાલે ‘ગીરનાર બચાવો મહારેલી’ : આંદોલનનાં મંડાણ
પવિત્ર યાત્રાધામ ગીરનારનાં ધાર્મિક સ્થાનો પચાવી પાડવા તેમજ રેકર્ડ સાથે થતાં ચેડા સામે સર્વે સનાતનીઓમાં ભારે આક્રોશ : કલેકટરને આવેદનપત્ર અપાશે
જૂનાગઢ તા. રર
જૂનાગઢ નજીક આવેલા અને કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાનાં કેન્દ્ર એવા પવિત્ર યાત્રાધામ ગરવા ગીરનારને બચાવવાનો સમય આવી ગયો છે. ગીરનારમાં આવેલા ધર્મસ્થાનોને પચાવી પાડવા તેમજ રેકર્ડ સાથે ચેડા કરી અને ભરતવન, શેષાવન નજીક આવેલા ક્ષેત્રમાં ગંભીર પ્રકારની ગેરરીતી કરી અને જમીનો પચાવી પાડવાનાં ચાલી રહેલા કારસા સામે જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્રનાં સંતો, મહંતો, સનાતનીઓમાં ભારે આક્રોશ જાેવા મળી રહયો છે. અને ગીરનાર બચાવવાનાં મહાઅભિયાનનો જૂનાગઢ ખાતે આવતીકાલથી પ્રારંભ થઈ રહયો છે. આવતીકાલે એક મહારેલી યોજવામાં આવનાર છે. આ મહારેલીમાં સર્વે સનાતનીઓને અને ધર્મપ્રેમી જનતાને તેમજ જૂનાગઢવાસીઓને મોટી સંખ્યામાં ઉમટી પડવા માટે સંતો, મહંતો, મહામંડલેશ્વરો દ્વારા હાકલ કરવામાં આવી છે. અને જૂનાગઢ સહીત દૂર દૂરથી સનાતનીઓ આ મહારેલીમાં ઉમટી પડશે તેમ મનાય છે. મહારેલીનાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક સમય થયા જયાં ૩૩ કરોડ દેવતા ૬૪ જાેગણી અને દેવીદેવતાઓનો વાસ છે તેમજ પવિત્ર ગીરનાર ક્ષેત્રનાં હજારો વર્ષો જુના પૌરાણીક મંદિરો પણ આવેલા છે. અને આવા ધર્મસ્થાન ઉપર યેનકેન પ્રકારે ચેડા થતા હોય છે. અને આટલાથી નહી અટકતા જુદી જુદી યુકિત-પ્રયુકિત દર્શાવી અને જે તે ધાર્મિક સ્થાનોનાં નામોને પણ બદલી નાખવાની મોટાપાયે પ્રવૃતિ થતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. દરમ્યાન તાજેતરમાં જ એક ઘટના ક્રમમાં ભરતવન, શેષાવન નજીક આવેલી એક જમીનની જગ્યા પણ દબાવી પાડવાનો અને ખોટુ રેકોર્ડ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થતાં જૂનાગઢ અને ગીરનાર ક્ષેત્રનાં સંતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ભુતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી બાપુનાં સાંનિધ્યમાં સર્વે સનાતનીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. અને બસ હવે બહુ થયું... હવે આપણે સૌએ એક થઈ અને ગીરનાર બચાવવા માટે જાગવુ જ પડશે અને આ સાથે જ તા. ર૩ એપ્રીલે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કલેકટરને આવેદનપત્ર સહીતના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતાં અને આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ખાસ ઉપસ્થિત રહેવા જૂનાગઢ તેમજ ગીરનાર ક્ષેત્ર અને સૌરાષ્ટ્રભરનાં તેમજ દૂર દૂરની ધાર્મિક જગ્યાનાં મહંતો અને સનાતનીઓએ સર્વે ધર્મપ્રેમી જનતાને સનાતનીઓને જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવેલ છે. દરમ્યાન આવતીકાલે જૂનાગઢનાં આંગણે ગીરનાર સંરક્ષણ સમીતી દ્વારા ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત એક મહારેલી યોજવામાં આવશે. આવતીકાલે ગુરૂવાર તા. ર૩-૪-ર૬નાં રોજ ૪.૩૦ કલાકે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે સર્વે સનાતનીઓ, સંતો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત થશે. તેમજ પ્રાસંગીક ઉદબોધન અને સંતોનાં આર્શિવચન બાદ સંતોની ઉપસ્થિતિમાં સનાતનીઓની હાજરીમાં રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચશે અને જયાં કલેકટરને ગીરનાર સંરક્ષણ સમીતી દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવશે અને ગીરનાર બચાવવા માટે રજુઆતો કરવામાં આવશે. અને ધાર્મિક સ્થાનો પચાવી પાડવા તેમજ રેકર્ડ સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવશે. અને સરકારને પણ ગીરનાર સંરક્ષણ સમીતી દ્વારા ગીરનારનાં સંરક્ષણ માટે રજુઆત કરાશે.
- જૂનાગઢ જીલ્લા કલેકટરને ખાસ હાજર રહેવા અનુરોધ
જૂનાગઢ તા. રર
ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત આવતીકાલે જૂનાગઢનાં આંગણે બપોરનાં ૪.૩૦ કલાકે સરદારબાગ હવેલીવાળી જગ્યા નજીક સંતો અને સનાતનીઓની ઉપસ્થિતિમાં એક વિશાળ રેલીનું આયોજન થયું છે. પ્રાસંગીક ઉદબોધન અને સંતોનાં આર્શિવાદ બાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરી જવા પ્રયાણ કરશે. અને ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર આપવાનાં આયોજીત થયેલા કાર્યક્રમ અંગે ગીરનાર સંરક્ષણ સમીતી દ્વારા કલેકટરને એક લેખીત પત્ર પાઠવી અને આવેદનપત્ર પાઠવવા અમે સૌ આવી રહયા છીએ ત્યારે આપના પ્રતિનિધિ નહી પરંતુ આપશ્રી હાજર રહેશો તેવી વિનંતી કરવામાં આવી છે. કલેકટરશ્રીને જ આવેદનપત્ર પાઠવવામાં આવશે તેવું પણ આ યાદીમાં જણાવેલ છે.


