જૂનાગઢમાં એસઆરઆઈની કામગીરી સામે ભારે મોટો વિરોધ : કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

મતદાર યાદી સુધારણા કામગીરીમાં ગેરરીતીનાં આક્ષેપ સાથે રજુઆત કરાઈ

જૂનાગઢમાં એસઆરઆઈની કામગીરી સામે ભારે મોટો વિરોધ : કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ સહીત રાજયભરમાં મતદારી યાદી સુધારા કાર્યક્રમમાં ગેરરીતી થયાના આક્ષેપો સાથે અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. કથીત એસઆઈઆરની કામગીરી સામે વિરોધ દર્શાવી અને જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ આ બાબતે તત્કાલ યોગ્ય કાર્યવાહી અને ન્યાય નહી આપવામાં આવે તો આંદોલન કરી અને કોર્ટનાં દ્વાર પણ ખખડાવવામાં આવશે તેવી ચીમકી અપાઈ હતી.
ગુજરાત રાજયમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતિમ તબકકામાં વિવાદનું કેન્દ્ર બની છે. દરમ્યાન જૂનાગઢ શહેર કોંગ્રેસ સમીતી દ્વારા ગઈકાલે જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરને આવેદનપત્ર પાઠવીને આક્ષેપો કરતા જણાવ્ હતું કે જૂનાગઢમાં એક જ વ્યકિત દ્વારા માત્ર ૧૦ મીનીટના સમયગાળામાં ફોર્મ નં. ૭ના ૧૩,૦૦૦ જેટલા વાંધાઓ રજુ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવકતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે પહેલા લોકો મત આપીને સત્તાધીશ નકકી કરતા હતા, પરંતુ હવે સત્તાધીશ નકકી કરે છે કે કોણે મત આપવાનો. કોંગ્રેસનો આક્ષેપ છે કે પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ચોકકસ જ્ઞાતિ, ધર્મ અને રાજકીય વિચારધારા ધરાવતા સાચા મતદારોના નામ યાદીમાંથી હટાવવા માટે જથ્થાબંધ અરજીઓ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લોક પ્રતિનિધિત્વ ધારો-૧૯પ૦ મુજબ ફોર્મ નં. ૭ ત્યારે જ ભરી શકાય જયારે મતદારનું મૃત્યું થયું હોય કે રહેઠાણ બદલ્યું હોય અને તેના પુરાવા રજુ કરવા પડે. પરંતુ અહીં કોઈપણ આધાર પુરાવા વગર છેલ્લા દિવસોમાં અચાનક હજારોની સંખ્યામાં ફોર્મ જમા થયા છે. કોંગ્રેસે માંગ કરી છે કે જાે ખોટી રીતે અરજીઓ સ્વીકારવમાં આવી હોય તો જે તે અધિકારી સામે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૩૧ અને આઈપીસી કલમ ૧૬૬ મુજબ ફોજદારી કાર્યવાહી કરવી જાેઈએ. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે માંગ કરી છે કે તા. ૧૬, ૧૭, અને ૧૮ જાન્યુઆરીના રોજ જે ઓફીસોમાં જથ્થાબંધ ફોર્મ સ્વીકારાયા છે ત્યાનાં સીસી ટીવી ફુટેજ તપાસવામાં આવે. વધુમાં જેમના નામ સામે વાંધો લેવાયો છે તેવા મતદારોને સીધા રદ કરવાને બદલે પહેલા વાંધો લેનાર વ્યકિત પાસે પુરાવા માંગવામાં આવે અને કાયદેસરની સુનાવણી રાખવામાં આવે. આ સાથે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જાે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને ગેરકાયદેસર વાંધાઓ ફગાવવામાં નહીં આવે તો આંદોલન કરી અને કોર્ટનાં દ્વાર ખખડાવવામાં આવશે. ગઈકાલે શહેર કોંગ્રેસ સમીતીનાં પ્રમુખ મનોજ જાેશી, માજી ધારાસભ્ય ભીખાભાઈ જાેશી તેમજ કોંગ્રેસ પક્ષનાં કાર્યકર્તાઓ, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.