જૂનાગઢમાં ડો. આંબેડકર બોયઝ હોસ્ટેલમાં દાળ-ભાતમાંથી જીવડા નીકળ્યા : વિદ્યાર્થીઓમાં ભારે રોષ
જુનાગઢ તા.૨૪
જૂનાગઢના કેવડાવાડી રેલવે સ્ટેશન પાસે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં જમવામાં જીવાતો અને ઈયળો નીકળવા તથા વાસી શાકભાજી અને ફ્રૂટ અપાવાના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી ભોજનની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. દરમ્યાન તાજેતરમાં જ બપોરના સમયે જમતી વેળાએ દાળ-ભાતમાં જીવડું કે ઈયળ નીકળવાની ઘટના સામે આવી હતી તેમજ કોઠાર રૂમ અને ફ્રિજમાં રાખેલા ટમેટા તથા મરચામાંથી પણ ઈયળો અને ધનેરા નીકળ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી. નોંધનીય છે કે અગાઉ કલેક્ટર કચેરી નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ગર્લ્સ હોસ્ટેલમાં પણ જમવાની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વધુમાં મળતી વિગત અનુસાર જમવાની અનિયમિતતા અને ખરાબ ગુણવત્તા ઉપરાંત હોસ્ટેલની ભૌતિક પરિસ્થિતિ પણ અત્યંત દયનીય છે. બિલ્ડિંગની હાલત રહેવાલાયક નથી, જ્યાં વરસાદના સમયમાં રૂમની છતમાંથી પાણી ટપકે છે, દિવાલોના પ્લાસ્ટર ઉખડી ગયા છે અને બાથરૂમની હાલત પણ ખૂબ ખરાબ છે. આ ઉપરાંત વર્ષોથી વિદ્યાર્થીઓને બેડ, રૂમની અંદર ગંદકી અને પંખાની પૂરતી સુવિધા જેવી અનેક સમસ્યાઓ સતાવે છે. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે સરકારના પ્રવર્તમાન નિયમો અને ટેન્ડર મુજબ પૂરતી સુવિધાઓ આપવામાં આવે તથા આ કોન્ટ્રાક્ટ પદ્ધતિને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. વધુમાં છાત્રાલય બાબતે વિદ્યાર્થીઓની રજૂઆતો અને આવેદનો અવારનવાર આપવામાં આવે છે છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી. છેલ્લા એક મહિનાની અંદર આવેલા કોન્ટ્રાક્ટમાં જમવામાં ઘણી બધી સમસ્યાઓ આવે છે, જેમ કે જમવામાં ટામેટામાં ફ્લાવર અને અન્ય વસ્તુઓ બગડેલી હોય છે. આ મુદ્દે અવારનવાર જાણ કરવા છતાં કોઈ સોલ્યુશન આવતું નથી. ગઈકાલે બપોરે જમતી વખતે દાળ-ભાતમાંથી જીવડું નીકળ્યું હતું, જેથી બધા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત રૂમમાં વરસાદના સમયગાળામાં પાણી પડે છે, પ્લાસ્ટર ઉખડી જાય છે અને બાથરૂમમાં પણ પ્રોબ્લેમ છે. વિદ્યાર્થીઓની માંગ માત્ર એટલી જ છે કે અમારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જોતી નથી અને ક્વોલિટી-ક્વોન્ટિટી સારી જોઈએ. અહીં બિલ્ડિંગને લગતી, જમવાને લગતી અને ક્વોલિટીમાં કઈ હોતું નથી તેમજ બિલ્ડિંગ રહેવા લાયક નથી, બાથરૂમ સાવ પતી ગયા છે, દરવાજામાં હૂક નથી હોતા, ઉપરથી પાણી પડે છે અને લીલ જામી ગઈ છે. વરસાદનો સમય ચાલે છે તો બિલ્ડિંગ પડે કે એવું બધું થાય તો કોની જવાબદારી રહેશે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.ગવર્મેન્ટ જેટલી સુવિધા આપે છે તેટલી પૂરેપૂરી કમ્પલસરી કોઈને મળતી જ નથી. રહેવાના રૂમની બાબતમાં પણ ખૂબ ખરાબ હાલત છે, પોપડા ઉખડી ગયા છે અને પાણી પડે છે. તેવા સંજાેગોમાં રૂમનું રિનોવેશન થવું જોઈએ, જમવાનું સારૂં મળવું જોઈએ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ કેન્સલ થવી જોઈએ. તેવી વિદ્યાર્થીઓની માંગ છે.


