જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર આઈ.આર.વાળાએ ચાર્જ સંભાળ્યો
સમયમર્યાદામાં વિકાસકામો પૂર્ણ કરવા અને અરજદારઓ પ્રત્યે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખવા કટિબદ્ધતા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૧
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી વહીવટી ફેરબદલના ભાગરૂપે, જૂનાગઢ મહાનગરપાલિકાના નવ નિયુક્ત માન.મ્યુનિસિપલ કમિશનર આઈ. આર. વાળા દ્વારા આજે સત્તાવાર રીતે પોતાનો પદભાર સંભાળી લેવામાં આવ્યો છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમના દ્વારા નગરજનોના હિત, શહેરના સર્વાંગી વિકાસ અને પારદર્શક વહીવટ પ્રત્યે પોતાની સ્પષ્ટ પ્રાથમિકતાઓ જાહેર કરવામાં આવી હતી. કમિશનર આઈ. આર. વાળા દ્વારા પદભાર સંભાળતા જણાવવામાં આવેલ છે કે,જૂનાગઢ શહેરમાં ચાલી રહેલા તથા પ્રસ્તાવિત તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને જનહિતના કામો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. તેમજ મહાનગરપાલિકામાં પોતાની રજૂઆતો કે સમસ્યાઓ લઈને આવતા દરેક અરજદાર સાથે અધિકારીઓ અને કર્મચારીઓએ સૌજન્યપૂર્વકનો વ્યવહાર કરવો, તેમની વાત ન્યાયપૂર્વક સાંભળીને યોગ્ય રીતે સમજાવવી અને તેમની સમસ્યાઓનો સંતોષકારક ઉકેલ લાવવો. આ ઉપરાંત, શહેરીજનોને પીવાના પાણી, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ સુચારૂ રીતે મળી રહે તે માટે કટીબધ્ધતા દર્શાવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ કમિશનર આઈ.આર.વાળા દ્વારા મહાનગરપાલિકાના તમામ વિભાગીય વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજીને ચાલી રહેલા પ્રોજેક્ટ્સની માહિતી મેળવી હતી અને પ્રજાલક્ષી કાર્યોને ઝડપથી તેમજ ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓ સામાન્ય માણસ સુધી સમયસર પહોંચે અને વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક બને તે દિશામાં સમગ્ર ટીમ સાથે મળીને કામગીરી કરવામાં આવશે.


