દ.ગુજરાતમાં બારેમેઘ ખાંગા : રેડ એલર્ટ : કપરાડામાં 16 ઈંચ વરસાદ
વલસાડમાં 11, નવસારી, ચીખલી, વાંસદામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો : શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ
(બ્યુરો) વલસાડ તા.22
છેલ્લાં 24 કલાક દરમિયાન રાજયમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કપરાડામાં 16 ઈંચ તેમજ વલસાડમાં 11 અને ચીખલી અને વાંસદામાં 10 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્રે નવસારીની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.
સુરતની ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આજે સવારથી સૌથી વધુ સુરતના પલસાણામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી સુરતની ભેદવાડ ખાડી ઓવરફલો થઈ અને ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 81 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.


