ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

11થી 20 જૂન દરમિયાન લેવાશે પરીક્ષા, ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ; વિદ્યાર્થીઓ માટે બોર્ડની મહત્વપૂર્ણ જાહેરાત

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

ગાંધીનગર તા.12
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા મુજબ SSC, HSC વિજ્ઞાનપ્રવાહ, સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી તેમજ સંસ્કૃત પ્રથમા-મધ્યમાના અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન 11 જૂનથી 20 જૂન 2026 દરમિયાન કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. શાળાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર સમયપત્રક તપાસવા સૂચના અપાઈ છે. પૂરક પરીક્ષા દ્વારા નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓને ફરી એક તક મળશે જેથી તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં.
સાથે જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ 15 મે સુધી અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 14 મે સુધી ફોર્મ ભરી શકશે. પરીક્ષા ફી ઓનલાઈન ભરવી ફરજિયાત રહેશે અને ફી ભર્યા બાદ જ ફોર્મ માન્ય ગણાશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ GSEBની સત્તાવાર વેબસાઇટ www.gseb.orgની મુલાકાત લઈ શકે છે.