પોરબંદર : કર્મચારી સોસાયટી નજીકથી ઉદ્યોગનગર પોલીસે કારમાંથી ૫૭૬ બોટલ વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડયો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૭
પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોરબંદરની કર્મચારી સોસાયટી જીઆઈડીસી રોડ પરથી ઉદ્યોગનગર પોલીસે ફિલ્મી ઢબે કાર વાહનનો પીછો કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની ચપટા(ક્વાટર) ૫૭૬, રૂા.૮૬,૪૦૦ તથા કાર વાહન મળી કુલ રૂા.૩,૩૬,૪૦૦નો મુદ્દામાલ સાથે દેવભૂમિ દ્વારકાના જામ ખીરસરા ના એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેમજ આ દારૂ આપનાર જામનગરના નાધેડીના ભરત ગઢવી નામના શખ્સનું નામ ખુલતા તેમની સામે પણ ગુનો નોંધાયો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓએ જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામવા આપેલી સૂચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સર્વેલન્સ ટીમના એએસઆઈ ભાવિનભાઈ પ્રવીણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ જ્યંતીભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે, પોરબંદરની કર્મચારી સોસાયટીથી જીઆઈડીસી તરફ જતા અવાવરૂ રોડ પર વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી જીજે-૦૬-એચએલ-૩૧૬૧ નંબરની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવવા પ્રયાસ કરતા કાર ના ચાલકે કાર નહીં રોકતા અને ભગાડી જતાં તેનો ફિલ્મી ઢબે પીછો કરી કાર પકડી પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ચપટા (ક્વાર્ટર) નંગ-૫૭૬ મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો તથા કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર નંગ-૫૭૬, જેની કિંમત રૂા.૮૬,૪૦૦ થાય છે, તેમજ રૂા.૨,૫૦,૦૦૦ની કિંમતની કાર મળી કુલ રૂા.૩,૩૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ આ કેસમાં પકડાયેલ કાર ચાલક આરોપી લક્ષ્મણ અરજણભાઈ ખૂંટી, ઉંમર વર્ષ ૨૩, રહે. જામપીરસરા ગામ, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકાવાળાની અટક કરી તેમની પૂછપરછ કરતા આ દારૂ ભરત સંજયભાઈ ગઢવી, રહે. નાઘેડી ગામ, જિ. જામનગરવાળા એ આપતાં તેમની સામે પણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી નાધેડી ના શખ્સ ની શોધખોળ ચાલુ કરી છે.


