મેંદરડા ખેડૂતોના હિતમાં સૌની યોજના હેઠળ ડેમો- તળાવોમાં પાણી ભરવા માંગ ઉઠી

પ્રાંત અધિકારીને રજૂઆત કરી મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ સમક્ષ પાણી સમસ્યા ઉકેલવા માંગ

મેંદરડા ખેડૂતોના હિતમાં સૌની યોજના હેઠળ ડેમો- તળાવોમાં પાણી ભરવા માંગ ઉઠી

(પ્રતિનિધિ દ્વારા)
મેંદરડા, તા.૧૦
મેંદરડા તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે હેતુથી ‘સૌની યોજના‘ હેઠળ તાલુકાના વિવિધ ડેમો અને તળાવો નર્મદાના નીરથી ભરવાની પ્રબળ માંગ ઊઠી છે. આ સંદર્ભે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, મેંદરડા તાલુકા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા જિલ્લા પંચાયતના મહિલા સભ્ય સહિતના આગેવાનો દ્વારા સંયુક્ત લેટરપેડ મારફતે મેંદરડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ અંગે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંમર, તાલુકા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, મહિલા અગ્રણી ભાવનાબેન અજમેરા, સરપંચ જે. ડી. ખાવડ તથા વિજયભાઈ પાનસુરિયા સહિતના આગેવાનો, ખેડૂતો અને સરપંચો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મેંદરડા પંથકની પાણીની તાતી જરૂરિયાતને ધ્યાને રાખી સૌની યોજના મારફતે જળાશયોમાં પાણી પહોંચાડવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ રજૂઆતમાં માલણકા પાસે આવેલા મધુવંતી ડેમ, ચાંદ્રાવાડી પાસે આવેલી નાની સિંચાઈ યોજનાના ડેમ, રાજાવડના રાતડા ડેમ તેમજ ગુંદાળા પાસે આવેલી નદી સહિતના જળસ્ત્રોતોમાં પાણી ભરવા અને નર્મદાનું પાણી નદીમાં વહેવડાવવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે. આગેવાનોના જણાવ્યા મુજબ, ડેમો અને તળાવો પાણીથી ભરાશે તો ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ સુવિધા મળશે અને ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યામાંથી મોટી રાહત પ્રાપ્ત થશે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સિંચાઈ મંત્રી, કૃષિ મંત્રી, સ્થાનિક સાંસદ, પ્રભારી મંત્રી, માણાવદરના ધારાસભ્ય તથા જિલ્લા કલેક્ટર સહિતના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆતની નકલો મોકલી તાકીદે યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. મેંદરડા તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોને જળસંકટમાંથી મુક્તિ મળે તે માટે તંત્ર અને રાજ્ય સરકાર વહેલી તકે હકારાત્મક ર્નિણય લે તેવી આશા સેવાઈ રહી છે.