મમતા બેનર્જીનો સનસનીખેજ આક્ષેપ
પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર ઉથલાવવા ભાજપે રૂા.1000 કરોડની ડીલ કરી
કોલકતા, તા.૧૩ :
ભાજપે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને સત્તા પરથી હટાવવા માટે "1,000 કરોડ રૂપિયાની ડીલ" કરી છે તેવો આક્ષેપ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કર્યો છે. આમ બન્ને પક્ષો વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે.
મમતા બેનર્જીએ આ દાવો એક વાયરલ વીડિયોના સંદર્ભમાં કર્યો હતો, જેમાં 'આમ જનતા ઉન્નયન પાર્ટી'ના વડા હુમાયુ કબીર કથિત રીતે એમ કહેતા સંભળાય છે કે તેઓ મમતા સરકારને ઉથલાવવા માટે ભાજપના નેતાઓના સંપર્કમાં છે. વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લઘુમતી મતોના વિભાજન માટે 1,000 કરોડ રૂપિયાની ડીલ પેટે 200 કરોડ રૂપિયા એડવાન્સ તરીકે મળ્યા છે. જોકે, સમાચાર એજન્સી આ વીડિયોની સત્યતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકી નથી. બાંકુડાના ઓન્ડામાં રેલીને સંબોધતા બેનર્જીએ કહ્યું કે કેટલાક નેતાઓ આ વીડિયોને AI-જનરેટેડ ગણાવીને ફગાવી રહ્યા છે, ત્યારે ક્લિપમાં દેખાતી વ્યક્તિએ જ તેની સત્યતા સ્વીકારી છે. જો તે AI-જનરેટેડ હોય, તો સંબંધિત વ્યક્તિ તેને કેમ સ્વીકારી રહી છે.
મમતા બેનર્જીની આ ટિપ્પણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપના એક દિવસ બાદ આવી છે. પીએમ મોદીએ મુશિર્દાબાદની રેલીમાં કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં હાર ભાળી ગયેલી TMC હવે AI ઉપયોગ કરીને નકલી વીડિયો બનાવવાનો સહારો લઈ રહી છે.


