રશિયાએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી : શાંતિ મંત્રણાના પ્રયાસો શરૂ

રશિયાએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી : શાંતિ મંત્રણાના પ્રયાસો શરૂ

મોસ્કો/તહેરાન,તા.૧૩:
મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઇરાનની શાંતિ મંત્રણા નિષ્ફળ ગઇ છે. જેની બાદ શાંતિ મંત્રણાનો બીજો પ્રયાસ શરૂ થવાના સંકેત મળ્યા છે. આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવામાં રશિયાની ભૂમિકા ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી. આ વાતચીત દરમિયાન પુતિને જણાવ્યું હતું કે યુદ્ધને રોકવા માટે હિંસાનો તાત્કાલિક અંત લાવવો જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લશ્કરી કાર્યવાહીથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં અને ફક્ત રાજકીય અને રાજદ્વારી માર્ગ જ કાયમી શાંતિ લાવી શકાશે. રશિયાના જણાવ્યા અનુસાર રશિયા તમામ પક્ષો સાથે વાતચીત દ્વારા ઉકેલ શોધવા માટે  કામ કરી રહ્યું છે અને સંઘર્ષને ઓછો  કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. રશિયા દ્વારા કરવામાં આવેલી આ પહેલને ફક્ત એક નિવેદન તરીકે નહીં  પરંતુ એક વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.