માળિયાહાટીના  તાલુકામાં 'ટીબી મુક્ત ભારત' અભિયાન અંતર્ગત અત્યાધુનિક હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનીંગની કામગીરી શરૂ

માળિયાહાટીના  તાલુકામાં 'ટીબી મુક્ત ભારત' અભિયાન અંતર્ગત અત્યાધુનિક હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનીંગની કામગીરી શરૂ

જૂનાગઢ,તા. 15
પ્રધાનમંત્રીના 'ટીબી મુક્ત ભારત' ના સંકલ્પને સાકાર કરવા માટે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 100 દિવસના ટીબી કેમ્પેઈન અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી  છે. આ અભિયાનની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં અત્યાધુનિક હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન (Handheld X-Ray Machine) દ્વારા ગામડાઓમાં જઈને સ્થળ પર જ તપાસ કરવામાં આવી રહી છે.
આ કામગીરી જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) ડો. અલ્પેશ સાલ્વી, જિલ્લા ક્ષય અધિકારી (DTO) ડો. સી.એલ. વ્યાસ અને માળિયાહજટીના તાલુકા આરોગ્ય અધિકારી (THO) ડો. એન.જી. ડાભી ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.
આ કેમ્પેઈન અંતર્ગત તાલુકાના ખાસ પસંદ કરાયેલા ગામોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓ તેમજ 14 વર્ષથી ઉપરની વયના તમામ લોકોનું  સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીનની મદદથી મિનિટોમાં જ ફેફસાની તપાસ કરી ટીબીની શક્યતા ચકાસવામાં આવે છે.
સ્ક્રીનીંગ દરમિયાન જે વ્યક્તિઓમાં શંકાસ્પદ લક્ષણો જણાય, તેવા દર્દીઓના ગળફાના સેમ્પલ લઈ CHC માળિયા અને CHC ચોરવાડ ખાતે મોકલવામાં આવે છે. ત્યાં ઉપલબ્ધ અત્યાધુનિક ટ્રુનાટ (Truenat) મશીન દ્વારા પરીક્ષણ કરી ટીબીનું સચોટ અને ઝડપી નિદાન કરવામાં આવે છે.
આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકાનો તમામ આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો સક્રિયપણે કાર્યરત છે. સાથોસાથ IEC (Information, Education and Communication) દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરીને લોકોને ટીબી વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ સઘન તપાસ અને વહેલા નિદાનની પ્રક્રિયાથી માળિયા તાલુકાને ટીબી મુક્ત બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે.