રણબીરે ઈલોન મસ્કની ઉડતી કારની પુષ્પક વિમાન સાથે કરી સરખામણી
'રામાયણ'માં પુષ્પક વિમાનની ડિઝાઇન તૈયાર કરવામાં નિતેશ તિવારીની ટીમને લાગ્યા બે વર્ષ; ટ્રેલરમાં પણ જોવા મળી ઝલક
મુંબઈ, તા. ૩
ફિલ્મ 'રામાયણ'માં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રણબીર કપૂરે ભારતીય પૌરાણિક કથાઓમાં વર્ણવાયેલી ટેક્નોલોજી અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સરખામણી કરી છે. તેમણે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ઉડતી કારનો ઉલ્લેખ કરતાં તેની સરખામણી રામાયણમાં વર્ણવાયેલા પુષ્પક વિમાન સાથે કરી હતી. રણબીરે ભારતના પ્રાચીન સર્જનાત્મક દૃષ્ટિકોણ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે ઈલોન મસ્કે તાજેતરમાં ઉડતી કારની કલ્પનાને સાકાર કરી છે, જ્યારે ભારતે આવી કલ્પના પાંચ હજાર વર્ષ પહેલાં જ કરી હતી.
આ જ કાર્યક્રમમાં ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારીએ જણાવ્યું હતું કે 'રામાયણ' માટે પુષ્પક વિમાનની ડિઝાઇન તૈયાર કરવામાં તેમની ટીમને લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો. વિમાનની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. તેના કારણે રાવણ અને જટાયુ વચ્ચેની લડાઈનું દૃશ્ય તૈયાર કરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો.
રામાયણમાં પુષ્પક વિમાનને વિશિષ્ટ ક્ષમતાઓ ધરાવતા વિમાન તરીકે વર્ણવવામાં આવ્યું છે. માન્યતા અનુસાર, તે વિચારની ગતિએ ઉડી શકતું હતું અને તેમાં મુસાફરોની સંખ્યા પ્રમાણે વિસ્તરણ કરવાની ક્ષમતા હતી. ફિલ્મના ટ્રેલરમાં પણ પુષ્પક વિમાનની ઝલક દર્શાવવામાં આવી છે.
પૌરાણિક કથા અનુસાર, વિશ્વકર્માએ પુષ્પક વિમાનનું નિર્માણ કરીને કુબેરને ભેટ આપ્યું હતું. ત્યારબાદ રાવણે કુબેરને હરાવીને આ વિમાન પોતાના કબજામાં લઈ લીધું હતું. 'રામાયણ' ફિલ્મમાં પુષ્પક વિમાનની રચના અને તેના દૃશ્યોને ખાસ રીતે રજૂ કરવામાં આવ્યા છે.


