રાણાવાવમાં અસામાજિક તત્વો અને દબાણકારો સામે પોલીસનો બુલડોઝર એક્શન પ્લાન

રાણાવાવના આસીયાપાટ અને ગંડીયાવાળાનેશ વિસ્તારમાં બે ગેરકાયદેસર બાંધકામોનું ડીમોલિશન

રાણાવાવમાં અસામાજિક તત્વો અને દબાણકારો સામે પોલીસનો બુલડોઝર એક્શન પ્લાન

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૮
રાણાવાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આસીયાપાટ ગામ તથા ગંડીયાવાળાનેશ વિસ્તારમાં અસામાજિક ગુંડા તત્વો તથા દબાણકારો સામે રાણાવાવ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક(ડી.જી.પી.) તરફથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે હેતુસર ૧૦૦ કલાકની અંદર આવા તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાના અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજિક તત્વો સામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જે મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક ગુંડા તત્વો દ્વારા કોઈ ગેરકાયદેસર દબાણ કરાયેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન રાણાવાવ પોલીસ ડિવિઝનના નાયબ પોલીસ અધિકારીશ્રી ધ્રુવલ સી. સુતરીયા ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એન.એન. તળાવીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.વી. મોરી, એસ.એમ. કણઝરીયા તથા રાણાવાવ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી રાણાવાવ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે સંયુક્ત રીતે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત રાણાવાવ તાલુકામાં  (૧) કરશન કાનાભાઈ કોડીયાતર, રહે. ગંડીયાવાળાનેશ, તા. રાણાવાવ, જી. પોરબંદર તથા (૨) સંજય બાબુભાઈ ગોરાણીયા, રહે. આસીયાપાટ ગામ વાડી વિસ્તાર, તા. રાણાવાવ, જી. પોરબંદરવાળા બન્ને અસામાજિક  તત્વોની ગેરકાયદેસર બાંધકામ વાળી મિલકતો ડીમોલેશન કરવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી, એસ.એમ. કણઝરીયા, રાણાવાવ પોલીસ સ્ટાફ તથા રાણાવાવ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ સિવાય અન્ય કોઈ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણ કર્યું છે કે કેમ તે અંગે તપાસ કાર્યવાહી હજુ ચાલુ છે.