રેપો રેટ યથાવત : લોન મોંઘી નહીં થાય
નવી દિલ્હી, તા.5:
વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ભારે ખેંચતાણ અને આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે રિઝર્વ બેંકે સામાન્ય નાગરિકોને મોટી ખુશખબર આપી છે. 3 થી 5 જૂન દરમિયાન યોજાયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ, કેન્દ્રીય બેંકે રેપો રેટને 5.25 ટકા પર જ યથાવત રાખવાનો એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ આ ર્નિણયોની સત્તાવાર જાહેરાત કરી હતી, જેને આર્થિક નિષ્ણાતો વર્તમાન પરિસ્થિતિમાં એક બહુ મોટી રાહત તરીકે જોઈ રહ્યા છે. 2025માં ચાર વખત 1.2 નો ઘટાડો થયો હતો. તેમજ જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનુ અનુમાન કરવામાં આવ્યું છે. આ ર્નિણયનો સીધો અર્થ એ થાય છે કે જો તમે હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ પણ બેંક લોન લીધી હોય, તો તમારા માસિક બજેટને કોઈ ફટકો પડવાનો નથી. તમારી EMI (સરખા હપ્તા) માં કોઈ વધારો નહીં થાય અને વ્યાજના દરો સંપૂર્ણપણે સ્થિર રહેશે. ગવર્નરે સ્પષ્ટ કર્યું કે જ્યારે વિશ્વની દિગ્ગજ કેન્દ્રીય બેંકો મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરો ધડાધડ વધારી રહી છે, ત્યારે ભારતે આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકવાને બદલે પોતાના અર્થતંત્રની મજબૂતીને પ્રાધાન્ય આપ્યું છે.


