‘લાપતા લેડીઝ’ના અભિનેતા સતેન્દ્ર સોનીની ઝીરો FIR, 16 કલાક કામ કરાવવાનો અને બાકી ફી ન ચૂકવવાનો આરોપ

ફિલ્મ ‘પેડ પાલકી’ના શૂટિંગ દરમિયાન મારપીટ, અપમાન અને ધમકીના ગંભીર આક્ષેપ; સતેન્દ્ર સોનીએ ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ અને પ્રગતિ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી

‘લાપતા લેડીઝ’ના અભિનેતા સતેન્દ્ર સોનીની ઝીરો FIR, 16 કલાક કામ કરાવવાનો અને બાકી ફી ન ચૂકવવાનો આરોપ

મુંબઈ તા.૨૨
ફિલ્મ ‘લાપતા લેડીઝ’માં પોતાના અભિનયથી ઓળખ મેળવનાર અભિનેતા સતેન્દ્ર સોનીએ ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ અને અભિનેત્રી પ્રગતિ ચૌહાણ સામે ઝીરો FIR નોંધાવી છે. સતેન્દ્ર સોનીએ બંને સામે બાકી રહેલી ફી ન ચૂકવવા ઉપરાંત મારપીટ, અપમાન, ધમકી અને ગેરકાયદેસર રીતે રોકી રાખવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે. આ સમગ્ર વિવાદ આગામી ફિલ્મ ‘પેડ પાલકી’ના શૂટિંગ દરમિયાન સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
સતેન્દ્ર સોનીના જણાવ્યા અનુસાર તેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા અભિનેતા છે અને અભિનય જ તેમની આવકનું મુખ્ય સાધન છે. આશરે દોઢ વર્ષ પહેલાં તેમની મુલાકાત ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ સાથે થઈ હતી. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૬માં ‘પેડ પાલકી’ માટે તેમનો રોલ નક્કી કરવામાં આવ્યો હતો. સતેન્દ્રના દાવા મુજબ તેમને દરરોજના રૂ.૩૦ હજાર પ્રમાણે કુલ રૂ.૩ લાખ ફી નક્કી કરવામાં આવી હતી. જેમાંથી રૂ.૫૦ હજાર એડવાન્સ આપવામાં આવ્યા હતા અને બાકીની રકમ શૂટિંગ દરમિયાન ચૂકવવાની વાત હતી.
મધ્યપ્રદેશમાં શૂટિંગ શરૂ થયા બાદ પરિસ્થિતિ ખરાબ બન્યાનો સતેન્દ્રએ આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે શૂટિંગ સ્થળે કલાકારો માટે શરૂઆતમાં યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. વેનિટી વેનની વ્યવસ્થા ન હોવા ઉપરાંત સાફ-સફાઈ અને ભોજનને લઈને પણ ફરિયાદો હતી. સતેન્દ્રએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની શારીરિક રચનાને લઈને મજાક કરવામાં આવી હતી અને કેટલાક સ્થાનિક લોકો તેમની મંજૂરી વગર તેમને ઊંચકીને ફોટોગ્રાફ્સ લેતા હતા.
સતેન્દ્રના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેમણે આ બાબતો સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેમને અપમાનિત કરવામાં આવ્યા હતા. સતત માનસિક તણાવને કારણે પેનિક એટેક આવ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન તેમની પાસે લગભગ ૧૬ કલાક સુધી કામ કરાવવામાં આવ્યું હતું અને ખાવા માટે માત્ર એક સમોસો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સતેન્દ્ર સોનીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે અને ફિલ્મના લીડ અભિનેતા શ્રીધર દુબેએ પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ફિલ્મમેકર તરફથી આત્મહત્યા કરીને સુસાઇડ નોટમાં નામ લખી દેવાની ધમકી તેમજ અન્ય લોકો તરફથી ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ પોલીસ શૂટિંગ સ્થળે પહોંચી હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાકી રહેલી ફીની ચૂકવણી સહિતના મુદ્દે સહમતી ન બનતા સતેન્દ્ર સોની અને અન્ય કલાકારો પોલીસ સુરક્ષા વચ્ચે મુંબઈ પરત ફર્યા હતા.
મુંબઈ પરત આવ્યા બાદ સતેન્દ્ર સોનીએ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની વિવિધ કલમો હેઠળ ઝીરો FIR નોંધાવી છે. હાલ સમગ્ર મામલે અભિનેતા તરફથી કરવામાં આવેલા આક્ષેપો સામે આવ્યા છે. ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ અને પ્રગતિ ચૌહાણ તરફથી આ આરોપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. તેથી મામલે પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.