વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૫ની ઉપલબ્ધિઓ ગણાવી કહ્યું ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયાર

વડાપ્રધાને રવિવારે ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડ દ્વારા દેશને સંબોધિત કર્યો હતો : આ એપિસોડ વર્ષ ૨૦૨૫નો છેલ્લો મન કી બાત કાર્યક્રમ હતો

વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૫ની ઉપલબ્ધિઓ ગણાવી કહ્યું ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયાર
Business Standard

નવી દિલ્હી, તા.૨૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડ દ્વારા દેશને સંબોધિત કર્યો. આ એપિસોડ વર્ષ ૨૦૨૫નો છેલ્લો મન કી બાત કાર્યક્રમ હતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે આગળ વધવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે, ૨૦૨૫ વર્ષ ભારત માટે સિદ્ધિઓ, આત્મવિશ્વાસ અને ગૌરવથી ભરેલું રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ૨૦૨૫માં ભારતની આસ્થા, સંસ્કૃતિ અને અનોખા વારસાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું. વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભના ભવ્ય આયોજનથી સમગ્ર વિશ્વ અચંબિત થયું, જ્યારે વર્ષના અંતે અયોધ્યાના રામ મંદિર પર ધ્વજારોહણની વિધિએ દરેક ભારતીયને ગૌરવની લાગણી અપાવી. તેમણે જણાવ્યું કે, આ ઘટનાઓએ ભારતની સાંસ્કૃતિક શક્તિ દુનિયા સામે રજૂ કરી.
વડાપ્રધાને જણાવ્યું કે, ૨૦૨૫માં સ્વદેશી પ્રોડક્ટ્સ માટે લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો. લોકો હવે ભારતીય શ્રમ અને કૌશલ્યથી બનેલા સામાનને પ્રાથમિકતા આપી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે ગર્વપૂર્વક કહી શકાય કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આર્ત્મનિભર ભારત’ની ભાવનાએ દેશને વધુ આત્મવિશ્વાસ આપ્યો છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ૨૦૨૫ વિજ્ઞાન (સાયન્સ) અને અંતરિક્ષ (સ્પેસ) ક્ષેત્રે પણ ભારત માટે ઐતિહાસિક સાબિત થયું. શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા. સાથે જ પર્યાવરણ સુરક્ષા અને વન્યજીવન સંવર્ધન (વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન) સાથે જાેડાયેલી પહેલોએ પણ વર્ષ ૨૦૨૫ને ખાસ બનાવ્યું. તેમણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આજે ભારતમાં ચીતાઓની સંખ્યા ૩૦થી વધુ થઈ ગઈ છે. મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, જ્યારે મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. મહિલા બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપમાં ભારતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો. ઉપરાંત, પેરા એથલિટ્સે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અનેક મેડલ જીતીને સાબિત કર્યું કે મજબૂત ઇરાદા સામે કોઈ અડચણ મોટી નથી.
વડાપ્રધાન મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ને ૨૦૨૫ની સૌથી ગૌરવભરી સિદ્ધિઓમાંની એક ગણાવી. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું છે. દુનિયાએ સ્પષ્ટ રીતે જાેઈ લીધું કે આજનું ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરતું નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાના દરેક ખૂણામાંથી ભારત માતા પ્રત્યે પ્રેમ અને સમર્પણની ભાવના જાેવા મળી, આ જ ભાવના ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર પણ દેખાઈ. પોતાના સંબોધનમાં, પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તરપૂર્વ (નોર્થ ઈસ્ટ)ના એક યુવાને જૂની કહેવત જહાં ચાહ, વહાં રાહને સાર્થક કરી બતાવી છે. તેમણે મણિપુરના એક યુવાન મોઇરંગથેમ સેઠનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું, "તેમની ઉંમર ૪૦ વર્ષથી ઓછી છે. મણિપુરના જે વિસ્તામાં મોઇરંગથેમ રહેતા હતા, ત્યાં વીજળીની મોટી સમસ્યા હતી. આ પડકારનો સામનો કરવા માટે, તેમણે લોકલ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમને ઉકેલ મળી ગયો, આ ઉકેલ સૌર ઊર્જા હતો. આપને જણાવી દઈએ કે સરકાર પણ સોલાર પાવર પર ૮૦ હજારની સબસિડી આપી રહી છે.
મન કી બાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ વર્ષે, વારાણસીમાં કાશી તમિલ સનાગમમ દરમિયાન, તમિલ શીખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તમિલ શીખો - તમિલ કરકલમ થીમ હેઠળ, વારાણસીની ૫૦થી વધુ શાળાઓમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તમિલ વિશ્વની સૌથી જૂની ભાષા છે. મને ખુશી છે કે આજે, દેશના અન્ય ભાગોમાં પણ યુવાનો અને બાળકોમાં તમિલ ભાષા પ્રત્યે એક નવું આકર્ષણ જાેવા મળી રહ્યું છે. આ ભાષાની શક્તિ છે. આ ભારતની એકતા છે."