વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે  : રૂા.૧ર૧૯ કરોડના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે

આવતીકાલે કેવડીયા સ્થિત એકતાનગર ખાતે સરદાર પટેલની ૧પ૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે

વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે  : રૂા.૧ર૧૯ કરોડના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે
Hindustan TImes

(બ્યુરો)              વડોદરા તા.૩૦
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતીકાલે ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે. જેને લઈને વડાપ્રધાન મોદી આજથી બે દિવસ કેવડીયાના પ્રવાસે છે. કેવડીયા જતા પહેલા તેઓ આજે સાંજે ૪ વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. વાતાવરણ ખરાબ હશે તો વડાપ્રધાન બાય રોડ કેવડિયા જશે. તા. ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે ત્યારે એકતાનગર -કેવડિયા કોલોની ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાન મોદીનું આજે સાંજે ૪ વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવશે. વડોદરા એરપોર્ટ પર ૧૫ મિનિટના ટૂંકા રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. જોકે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણ ખરાબ થાય તો વડાપ્રધાન મોદી બાય રોડ કેવડિયા જશે.
વડાપ્રધાન આજે સાંજે ૫.૩૦ કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે તથા એકતાનગરમાં રૂ.૧૨૧૯ કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું પણ અનાવરણ કરશે.