આટકોટની ૬ વર્ષની બાળકીને પીંખી નાખનાર આરોપીને સજા-એ-મૌત
રાજકોટની સ્પેશ્યલ કોર્ટે માત્ર ૪૩ દિવસમાં ચુકાદો આપ્યો
(બ્યુરો) રાજકોટ તા.૧૭
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં ગત તા.૪ ડિસેમ્બર, ૨૦૨૫ના દિલ્હીના ર્નિભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના બની હતી. ખેતમજૂરની વાડીમાં રમતી ૬ વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા રેમસીંગ ડુડવાએ પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
પોલીસે ૮ ડિસેમ્બરે આરોપીને ઝડપી ૧૧ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. ૧૨ જાન્યુઆરી એટલે કે, ૩૫ દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે ૧૫ જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ ૧૭ જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉં.વ.૩૦) સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા દ્વારા આપવામાં આવ્યો છે.અને ઘટનાના ૩૪મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ૪ ડિસેમ્બર, ૨૦૨૫એ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામે બપોરના ૧૨ વાગ્યે ભોગ બનનાર બાળકી પોતાના ભાઈ–બહેનો સાથે રમતી હતી, ત્યારે આરોપી રેમસીંગ તેરસીંગ મોટર સાઈકલ ઉપર આવી અને ભોગ બનનાર બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં ૫ ઈંચનો લોખંડનો સળીયો ભરાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી બાજુના રૂમમાં રહેલી તેની મામી દોડી આવી, ત્યારે આરોપી રેમસીંગ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો.
બાળકીની ગંભીર હાલત અને સખ્ત રકતસ્ત્રાત જોતા મામીએ બાળકીના પિતા અને પોતાના પતિને તાત્કાલીક બોલાવી કાનપર ગામના સાર્વજનીક દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. બાળકીની હાલત અતિશય ગંભીર હોવાથી યોગ્ય સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે રાત્રિના ૯ વાગ્યે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ સમય દરમિયાન અતિશય રકતસ્ત્રાવ થવાથી બાળકીનુ ઓપરેશન થઈ શકશે કે કેમ તે માટે રેડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ બેભાન બાળકીની વિસ્તૃત સારવાર કરવામાં આવતા બચી ગઈ હતી. આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરી પરંતુ આરોપીને કોઈએ જોયો ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.
તા. ૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપ્યો જે રકતથી ખરડાયેલો હતો. આ ઉપરાંત બનાવ સ્થળે હ્લજીન્ અધિકારીને પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાંથી આરોપીના માથાના વાળનો જથ્થો મળી આવ્યો હતો.


