વેરાવળ : સાત મહિનાથી પોલીસને હાથ તાળી આપતો અને ૭ દારૂના ગુનામાં ફરાર લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડયો
લીસ્ટેડ બુટલેગર ફરાર હોવા છતાં સાત મહિનાથી સક્રીય રીતે વિદેશી દારૂનો વેપલો ચલાવતો હતો : સાતથી વધુ પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયા છે
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.21
વેરાવળ શહેર સહિત આસપાસના પંથકમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપલો ચલાવતો એવા સાત મહિનાથી નાસતો ફરતો લીસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બાને એલસીબી અને ડીસ્ટાફની ટીમે વેરાવળમાંથી ઝડપી લીધો છે. આ બુટલેગરએ ફરાર હતો તે સમયગાળામાં પણ દારૂનો વેપલો ચાલુ રાખ્યો હોય તેમ તેની સામે સાતેક જેટલા પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયા હતા. ગીર સોમનાથ જીલ્લામાં દારૂના કાળા કારોબારને ડામી દેવા કાર્યવાહી કરવા આઈજી આર.વી.ચુડાસમા, એસપી જયદીપસિંહ જાડેજાએ કડક સૂચના આપી હતી. જેને પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં એલસીબી અને ડીસ્ટાફની સંયુક્ત ટીમે બાતમીના આધારે વેરાવળના મોટા કોળીવાડા વિસ્તારમાં દરોડો પાડી લીસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો બારીયાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સાતેક મહિનાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો અને આ સમયગાળા દરમ્યાન તેની સામે વેરાવળ સીટી, પ્રભાસ પાટણ અને આણંદના તારાપુર પોલીસ સ્ટેશનમાં કુલ 15 પ્રોહીબીશન સહિતના ગંભીર ક્વોલિટીના ગુનાઓ નોંધાયેલા છે. આમાંથી અનેક ગુનાઓમાં તે ફરાર હોવાથી પોલીસને શોધતી હતી. આરોપી સામે 2025 અને 2026 ના વિવિધ ગુનાઓમાં અટક કરવાની બાકી હોય જેમાં પ્રોહીબીશન એક્ટ તેમજ નવા કાયદા હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે.


