વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફુટયો : કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.૧૧૧નો વધારો ઝીંકાયો
(એજન્સી) નવી દિલ્હી તા.૦૧ :
નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે જ મોંઘવારી બોંબ ફુટવા સાથે આમઆદમીને ઝટકો આપવામાં આવ્યો હોય તેમ કોમર્શીયલ રાંધણગેસ સિલીન્ડરમાં ૧૧૧ રૂપિયાનો તીવ્ર વધારો કરવામાં આવ્યો છે. જો કે, સબસીડીયુક્ત ૧૪ કિલોના ઘરેલુ રાંધણગેસની કિંમતમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.
કેન્દ્ર સરકારની પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા દર મહિનાના પ્રારંભે રાંધણગેસની કિંમતોમાં બદલાવ કરવામાં આવ્યો હોય છે. છેલ્લા મહિનાઓમાં મામુલી રાહત અપાયા બાદ આજે નવા મહિને આકરો ઝાટકો આપવામાં આવ્યો હતો. અને ૧૯ કિલો કોમર્શીયલ રાંધણગેસની કિંમતમાં એક જ ઝાટકે ૧૧૧ રૂપિયા વધારી દેવાયા હતા.
આ ભાવવધારા સાથે દિલ્હીમાં દિલ્હીમાં રાંધણગેસ સીલીન્ડરની કિંમત ૧૬૯૧.૫૦ થઇ ગઈ છે. કોલકતામાં ૧૭૯૫, મુંબઇમાં ૧૬૪૨.૫૦ તથા ચેન્નઇમાં ૧૮૪૯.૫૦ના સ્તરે પહોંચી છે. ૧૯ કિલોવાળા સિલીન્ડરનો ઉપયોગ મોટાભાગે હોટલ-રેસ્ટોરાં-ઢાબામાં કોમર્સીયલ ધોરણે થતો હોય છે, રાહતની વાત એ છે કે ઘરવપરાશના રાંધણગેસની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.


