વૈષ્ણોદેવીથી આવી રહેલી ગુજરાતના પ્રવાસીઓની બસ અને ટ્રક વચ્ચે રાજસ્થાનમાં ભયાનક ટક્કર : ૪ યાત્રાળુઓના કરૂણ મોત
(એજન્સી) સીકર, તા. ૧૦ :
રાજસ્થાનના સીકર જિલ્લામાં ગત મોડી રાત્રે જયપુર-બીકાનેર નેશનલ હાઈવે-૪૪ પર એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સ્લીપર બસમાં મોટાભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા, જેઓ જમ્મુ સ્થિત વૈષ્ણો દેવીના દર્શન કરીને પરત ફરતી વખતે યાત્રા દરમિયાન ખાટુ શ્યામજી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે લગભગ ૧૦.૪૦ કલાકે ફતેહપુર નજીક બાંદરી માલથૌન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રક ઝુનઝુનૂ તરફથી બીકાનેર જઈ રહી હતી, જ્યારે બસ બીકાનેર
તરફથી જયપુર તરફ આવી રહી હતી. સામસામે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ લગભગ ૧૫-૨૦ ફૂટ સુધી ટ્રકની અંદર ઘૂસી ગયો હતો, જેના કારણે બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.


