શિવરાત્રી મેળાને ભવ્ય બનાવવાના પ્રયાસમાં અનેક ત્રુટીઓ વાહન પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધને પગલે શિવરાત્રીનો મેળો પરીક્રમાની માફક પદયાત્રી મેળો બની જાય તો નવાઈ નહીં !!!
જૂનાગઢ તા.૧૦
શિવરાત્રી મેળા શરૂ થવાને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આ વખતનો મેળો અલૌકીક, દિવ્ય અને વિશિષ્ટ પ્રકારે યોજવામાં આવનાર છે તેવી તંત્રની જાહેરાત અને અહેવાલોને લઈને શિવરાત્રીના મેળાએ ભાવિકોમાં પણ ભારે ઉત્સુકતા જગાવી છે પરંતુ કેટલાક તંત્રના કડક પગલાને લઈને આવતીકાલથી શરૂ થતા શિવરાત્રી મેળામાં અનેક પ્રશ્નો ઉભા થાય તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. શિવરાત્રીના મેળાનું પરંપરાગત હાર્દ જતુ રહ્યું હોય અને ફકત અને ફકત આ વખતનો મેળો લોકમેળો બનવાને બદલે વીઆઈપીઓ માટેનો જ મેળો બની રહે તો પણ નવાઈ નહીં.
ભવનાથ તળેટી ખાતે આવતીકાલે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ધ્વજારોહણ કરાયા બાદ દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મહામેળો આવતીકાલે શરૂ થઈ રહ્યો છે. આ વખતનો શિવરાત્રીનો મેળો દિવ્ય અને ભવ્ય બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુચના અને માર્ગદર્શન તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશન સાથે જૂનાગઢ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા દોઢ માસથી તડામાર તૈયારી કરી રહેલ છે. આ વખતનો શિવરાત્રીનો મેળો અદિત્ય અને અદ્ભૂત બનાવવાના પ્રયાસો વચ્ચે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. તંત્ર દ્વારા જે રીતે મેળાનું આયોજન ચાલી રહ્યું છે અને મેળો યોજવામાં આવશે તે જાેતા નાના માણસોથી લઈ રોજગારી મેળવનારા નાના ધંધાર્થીઓ તેમજ ખાસ તો મેળામાં જનારા ભાવિકોને આ વખતનો મેળો લાંબી પદયાત્રાનો અનુભવ કરાવશે તે પણ એટલું જ સત્ય છે અને તેને લઈને પણ ભારે વિવાદ અને ચર્ચાઓ સતત ચાલી રહી છે.
દર વર્ષે શિવરાત્રીનો મહામેળો ભવનાથ તળેટી ખાતે યોજાય છે આ મેળામાં આવનારા ભાવિકો અને સંતો માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. પાંચ દિવસના આ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. અંદાજીત ૧૦ લાખ ઉપરાંત ભાવિકો દુર-દુરથી મેળામાં પધારે છે. પરંપરાગત યોજાતા શિવરાત્રીના મેળામાં આ વર્ષે ખુબ જ મોટો બદલાવ આવ્યો છે. શિવરાત્રીના મેળાને મીનીકુંભના મેળા માફક યોજવા માટે તંત્રએ તૈયારીઓ આરંભી છે. અને જેને લઈને અનેક નવા નિર્ણયો પણ થયા છે જેમાં રવાડીને પ૦૦ મીટર લંબાવવાનો નિર્ણય, વાહન પ્રવેશ ઉપર પ્રતિબંધ, ભરડાવાવથી પગપાળા તળેટી સુધી એટલે કે અંદાજીત ૮ કિલોમીટર જેવી પદયાત્રા કરીને જ મેળો થઈ શકે તેવી સ્થિતિ છે તો બીજી તરફ વીઆઈપી મહાનુભાવો માટે તેમને લઈ જવા અને લાવવા માટેની અધિકારીઓને ફરજની સોપણી પણ કરવામાં આવી છે અને જેને લઈને પણ ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે અને વિવાદ પણ થયો છે. વિરોધપક્ષ પણ ભારે વિરોધ દર્શાવી રહેલ છે. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાને કારણે નાના ધંધાર્થીઓને માટે રોજગારી મેળવવાનું વર્ષમાં ભરાતા બે મેળા એટલે કે, પરીક્રમા અને શિવરાત્રીના મેળાને ગણાય છે. પરંતુ આ વખતે પરીક્રમા કમોસમી વરસાદને કારણે શક્ય બની ન હતી જયારે શિવરાત્રી મેળામાં વિશિષ્ટ પ્રકારના આયોજનને કારણે નાના ધંધાર્થીઓ માટે એટલે કે પાથરણાવાળાથી લઈ નાના વેપારીઓ માટે રોજગારીના ક્ષેત્ર ઉપર કાપ મુકાયો હોય તેમ કહીએ તો પણ ખોટુ નથી.મેળામાં સુરક્ષા અને સલામતી કારણસર વાહન પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકયો છે તો બીજી તરફ પ્રશ્ન એવો થાય છે કે, વીઆઈપી લોકો આવશે તો તેઓને માટે પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે કે શું ? તેવો સવાલ ઉઠવા પામેલ છે.દુર દુરથી આવનારા ભાવિકો તેમજ શહેરના લોકોને પણ જાે ભરડાવાવથી જ આઠ કિલોમીટરની પદયાત્રા સાથે મેળો કરવા જવાનું હોય તો કેટલા ભાવિકો આ શિવરાત્રીના મેળામાં સહભાગી બને છે અને કેટલી સંખ્યામાં આવે છે ? તે પણ મોટો પ્રશ્ન છે. શિવરાત્રી મેળો શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.


