સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં કેદીઓના ભજીયાંનો સ્વાદ બન્યો આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ મધ્યસ્થ જેલના 14 પાકા કામના કેદીઓ દ્વારા ભજીયાંનો સ્ટોલ સંચાલિત; સ્વરોજગારીની તાલીમ આપી સજા પૂર્ણ થયા બાદ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ
પ્રભાસ-પાટણ, તા. 21
સોમનાથ ખાતે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમા મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેદીઓ દ્વારા ઊભો કરાયેલો ભજીયાંનો સ્ટોલ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં કેદીઓ કોઈ હાથકડી કે હથિયારધારી પોલીસના પહેરા વિના ભજીયાં બનાવવાથી લઈને વેચાણ, માલસામાનની ખરીદી અને હિસાબ-કિતાબ જેવી તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. કેદીઓની આ કામગીરી જોઈને જાણીતી ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’ની યાદ તાજી થઈ જાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સ્ટોલની મુલાકાત દરમિયાન જેલના અધિકારીઓ ગોસ્વામી, ડાભી અને વિપુલભાઈએ તેની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, સોમનાથના મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલના 14 પાકા કામના કેદીઓ, નવ સ્ટાફ સભ્યો અને જેલર ગ્રુપ-2ના અધિકારી ડી.એચ. ડાભીના માર્ગદર્શન હેઠળ સ્ટોલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
આ વખતે સ્ટોલમાં ખાસ પ્રયોગ તરીકે પ્રથમ વખત શુદ્ધ સીંગતેલમાં ભજીયાં બનાવવામાં આવી રહ્યાં છે. અગાઉ કપાસિયા તેલનો ઉપયોગ થતો હતો. અહીં લીલી મેથી અને લીલા મરચાંના મસાલેદાર ભજીયાં ઉપરાંત ગોટા અને મસાલા લીમડાની કઢી પણ પીરસવામાં આવે છે. એક કિલો ભજીયાંનો ભાવ રૂ. 300 રાખવામાં આવ્યો છે. ભજીયાંના સ્વાદને કારણે મોડી સાંજના સમયે ખરીદી માટે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળે છે.
સ્ટોલની વિશેષતા એ છે કે તે છેલ્લા લગભગ 20 વર્ષથી કાર્તિકી પૂર્ણિમાના મેળામાં નિયમિત રીતે કાર્યરત છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આ સ્ટોલને મેળાના વિશેષ આકર્ષણ તરીકે સ્થાન આપવામાં આવે છે અને દર વર્ષે મેળા પહેલાં સ્ટોલ શરૂ કરવા માટે રાજકોટ જેલને આમંત્રણ આપવામાં આવે છે.
સ્ટોલમાં કામ કરતા કેદીઓ સ્વચ્છતાના નિયમોનું પણ ખાસ પાલન કરે છે. ભજીયાં બનાવતી વખતે માથે પ્લાસ્ટિકની કેપ અને હાથમાં પ્લાસ્ટિકનાં મોજાં પહેરવા સહિત જરૂરી સાવચેતી રાખવામાં આવે છે. આ કામગીરીમાં એવા કેદીઓને પસંદ કરવામાં આવે છે, જેમણે પોતાની સજાનો ઓછામાં ઓછો 75 ટકા સમય પૂર્ણ કર્યો હોય, ફર્લો કે પેરોલ પર ગયા બાદ સમયસર જેલમાં પરત હાજર થયા હોય, જેલમાં સારી વર્તણૂક ધરાવતા હોય અને ફરસાણ બનાવવાના ઉદ્યોગ વિભાગમાં કામ કરતા હોય.
આ સમગ્ર પહેલ પાછળનો મુખ્ય હેતુ કેદીઓને માત્ર કામમાં જોડવાનો નથી, પરંતુ તેમને વ્યવસાયિક કૌશલ્ય શીખવી ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવવાનો છે. જેલમાં શીખેલી ભજીયાં બનાવવાની કળા અને વ્યવસાય સંચાલનનો અનુભવ સજા પૂર્ણ થયા બાદ બહારના જીવનમાં સ્વરોજગારી મેળવવા ઉપયોગી થઈ શકે છે. આ રીતે તેઓ આત્મસન્માન સાથે જીવન જીવી શકે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરસાણ ઉપરાંત ફર્નિચર બનાવવાનો વિભાગ અને ખાદી વણાટ વિભાગ પણ કાર્યરત છે. અહીં આસનપટ્ટા સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે. રાજકોટમાં જેલ સંચાલિત બે કાયમી ભજીયા હાઉસ પણ કાર્યરત છે, જેમાં એ.જી. ચોક અને પોપટપરા ખાતેના કેન્દ્રોનો સમાવેશ થાય છે. આમ, સોમનાથના મેળામાં કેદીઓના હાથના સ્વાદ સાથે તેમની મહેનત, કૌશલ્ય અને પુનર્વસનની ભાવનાનું પણ સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે.



