2024માં ભારતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 1.70 લાખ લોકોના મોત : દર કલાકે 20 મૃત્યુ
(એજન્સી) નવી દિલ્હી,તા.12:
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ભારતમાં માર્ગ અકસ્માતની સંખ્યા 2024માં 1.48 ટકા વધીને 4.87 લાખથી વધુ થઇ છે, જેના પરિણામે દર કલાકે 20 લોકોના મોત થાય છે. અહેવાલ અનુસાર દેશમાં દર કલાકે સરેરાશ 56 માર્ગ અકસ્માત થાય છે.‘ભારતમાં માર્ગ અકસ્માત 2024‘ નામના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન દેશમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ દ્વારા કૂલ 4,87,707 માર્ગ અકસ્માત નોંધાયા છે, જેમાં 1,77,175 લોકો માર્યા ગયા છે અને 4,71,441 લોકો ઘાયલ થયા છે. તમિલનાડુમાં સૌથી વધુ 67,526 અકસ્માતો થયા હતા જ્યારે ઉત્તર પ્રદેશ (24,118)માં 2024 દરમિયાન સૌથી વધુ અકસ્માતમાં મોત નોંધાયા છે.વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં માર્ગ અકસ્માતોના કિસ્સામાં અગાઉના વર્ષ 2023ની સરખામણીએ 4.7%નો ઘટાડો નોંધાયો છે. જોકે, રાજ્યમાં અકસ્માત બાદ મૃત્યુદર વધીને 49.5% થયો છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.


