અમેરીકાના નોર્થ કેરોલીનામાં બે ગુજરાતીની ગોળી મારીને કરપીણ હત્યા કરાઈ
(એજન્સી) નોર્થ કેરોલીના તા.૪:
અમેરિકામાં વધુ બે ગુજરાતીઓની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે, ગત મહિને જ સાઉથ કેરોલાઈનામાં કિરણબેન પટેલ નામના એક ગુજરાતી મહિલાને લૂંટના ઈરાદે શૂટ કરી દેવાયા બાદ હવે નોર્થ કેરોલાઈનામાં અનીલ પટેલ અને પંકજ પટેલ નામના બે ગુજરાતીને શૂટ કરી દેવામાં આવતા યુએસમાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. આ બંને ગુજરાતીઓને એક મોટેલમાં શૂટ કરવામાં આવ્યા હતા, આ મોટેલ ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે અને ગત વર્ષે જ તેને બંધ પણ કરાવી દેવાઈ હતી.
મોટેલમાં શૂટિંગ થયું હોવાનો ૯૧૧ પર કોલ મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે અનીલ પટેલ અને પંકજ પટેલ ત્યાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. આ બંને ગુજરાતીઓ એકબીજાના સંબંધી હતા કે કેમ તેમજ તેમની હત્યા પાછળનો ઈરાદો શું હતો તેની કોઈ વિગતો નથી મળી શકી. તો બીજી તરફ હત્યારાની ઓળખ ઓજુના-સિએરા તરીકે કરવામાં આવી છે જેને શુક્રવારે ફલોરિડામાંથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો.


