જિલ્લા શહેર કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચુંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને મતદાર યાદીની ગેરરીતિ અટકાવવાની માંગણી સાથે જૂનાગઢમાં આવેદનપત્ર અપાયું

જિલ્લા શહેર કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચુંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને મતદાર યાદીની ગેરરીતિ અટકાવવાની માંગણી સાથે જૂનાગઢમાં આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. ૯
જૂનાગઢ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ અને ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષના  પ્રતિનિધીઓ દ્વારા  જિલ્લા વહીવટી તંત્રને ગઈકાલે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિને ઉદેશી સંબોધીને લખાયેલા આ આવેદનપત્રમાં લોકશાહી બચાવવા તેમજ ભારતમાં ચુંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે ઈવીએમ મશીનનાં બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવા મતદાર યાદીનાં એસઆઈઆરમાં થયેલ ગેરરીતિઓ અટકાવવા તેમજ મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર તાત્કાલીક રાજીનામુ આપે તેવી માંગણી કરવામાં આવી હતી.
જૂનાગઢમાં ગઈકાલે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  આ લોકશાહી બચાવો, દેશ બચાવો, મત બચાવો, તેમજ મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર રાજીનામુ આપે સહીતની વિવિધ માંગણીઓનાં બેનરો, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને આ સાથેજ જિલ્લા વહીવટી તંત્રને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ રજુ કરવામાં આવી હતી. જેમાં સ્પેશ્યલ ઈન્ટેસીવ રીવીઝન (એસઆઈઆર)ની પ્રક્રિયા તાત્કાલીક રોકવામાં આવે અથવા તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જેથી કોઈપણ કાયદેસરનો મતદાતા પોતાના મતાધિકારથી વંચીત ન રહે તેવી રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત પંચની વિશ્વસનીયતા પુન:સ્થાપિત કરવા માટે વર્તમાન મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર તાત્કાલીક પ્રભાવથી  પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી કરી છે. લોકશહીમાં જનતાનો ભરોસો કાયમ રાખવા માટે આગામી તમામ ચુંટણીઓ ઈવીએમના બદલે પરંપરાગત બેલેટ પેપર પધ્ધતીથી કરાવવામાં આવે તેવી માંગણી તેમજ ફોર્મ-૬ અને અન્ય ચુંટણી પ્રક્રિયાઓમાં કરવામાં આવેલા એકતરફી ફેરફારોને રદ કરવામાં આવે અને તમામ નિર્ણયો ચુંટણી પંચના તમામ સભ્યોની સર્વાનુમતે લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.  જૂનાગઢ જિલ્લામાં એસઆઈઆરની પ્રક્રિયા દરમ્યાન કાયદેસરના સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરનાર સામે ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે તેમજ ગંભીર મુદાઓ ઉપર વહેલી તકે યોગ્ય અને સકારાત્મક પગલા લેવામાં નહીં આવે તો અમારો આ વિરોધ પ્રદર્શન દેશવ્યાપી સ્તરે ઈન્ડિયા ગઠબંધન દ્વારા વધુ ઉગ્ર બનશે તેમ પણ જણાવેલ છે. 
આવેદનપત્ર આપતી વખતે જૂનાગઢ જિલ્લા શહેર કોંગ્રેસ સમીતિના હોદેદારો, પદાધિકારીઓ તેમજ ઈન્ડિયા ગઠબંધનના તમામ ઘટક પક્ષોના પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.