દ્વારકામાં થયેલી ચેનની ચોરી પ્રકરણમાં ૧૫ રાજસ્થાની મહિલાઓ ઝડપાઈ : રૂા.૮.૪૦ લાખનો મુદ્દામાલ કબજે
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૯
યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે એક મહિલાના કિંમતી ચેનની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસની કાર્યવાહીમાં રાજસ્થાન રાજ્યની ૧૫ મહિલાઓની ગેંગને ઝડપી લેવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા નજીકના શિવરાજપુર વિસ્તારમાં રહેતા એક મહિલા થોડા દિવસો પૂર્વે દ્વારકાધીશ મંદિર વિસ્તારમાં આવ્યા હતા ત્યારે તેમનો રૂપિયા ૨.૪૦ લાખની કિંમતનો ચેન કોઈ વ્યક્તિ સેરવીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
જેને અનુલક્ષીને દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ દ્વારકાના પીઆઈ આકાશ બારસીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોસિર્સની મદદથી કુલ ૧૫ મહિલાઓને ઝડપી લેવામાં આવી છે. આ પોલીસ કાર્યવાહીમાં રાજસ્થાન રાજ્યના રહીશ કુમકુમ કીસન જાટપ (ઉ.વ. ૨૫), મંજુ સંજય જાટપ (ઉ.વ.૩૦), મીથીલેશ મદનસીંહ જાટપ (ઉ.વ.૨૮), સાવીત્રી લક્ષ્મણ જાટપ (ઉ.વ.૪૫), ઉર્મીલા લક્ષ્મણ જાટપ (ઉ.વ.૪૫), ઓમવતી સુરજનસીંહ જાટપ (ઉ.વ.૨૨), કાલી સતીષ બાવરી (ઉ.વ.૨૫), રજની સુરેન્દરસીંહ ઉર્ફે દીપક બાવરીયા (ઉ.વ.૪૫), સુનીતા બાલા બાવરી (ઉ.વ.૩૦), સંજના રવી બાવરી (ઉ.વ.૨૫), રૂમા રાજવીર બાવરી (ઉ.વ.૫૫), મીનારાની રતનસીંગ બાવરીયા (ઉ.વ.૨૦), જ્ઞાનદેવી ગણેશી સોરન બાવરીયા (ઉ.વ.૪૦), મંજુ ઉતમરામ બાવરીયા (ઉ.વ.૪૨) અને વીરવતી પોહપસીંહ જાટપ (ઉ.વ.૫૩) ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ અને તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી ચોરીના મુદ્દામાલના ત્રણ સોનાના ચેન તથા એક સોનાનું મંગલસૂત્ર મળી આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂા. ૮,૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી, તમામ ૧૫ મહિલાઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.


