પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં શ્વાન સાથે ક્રૂરતા : બે વીડિયો વાયરલ, એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ
પાછલા બે પગ પકડી શ્વાનને ગોળ-ગોળ ફેરવી દૂર સુધી ફંગોળનાર વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉદય કારાવદરા ટ્રસ્ટની માંગ
(પ્રતિનિધી દ્વારા)
ગોસા (ઘેડ), તા.ર૦
પોરબંદર શહેરમાં રખડતા શ્વાનો પર અત્યાચારના બનાવો વધી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે પોરબંદર માર્કેટ યાર્ડમાં શ્વાન સાથે અમાનવીય અને ક્રૂર વર્તન કરાતું હોવાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. આ મામલે ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી સંબંધિત શખ્સ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક શ્વાનના પાછલા બે પગ પકડી તેને ગોળ-ગોળ ફેરવવામાં આવતો અને ત્યારબાદ દૂર સુધી ફંગોળવામાં આવતો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે. વીડિયોમાં દેખાતી વ્યક્તિ કોઈ ‘અનિલ’ નામના યુવાનની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે, આ અંગે પોલીસ દ્વારા સ્થળ તપાસ અને વીડિયોની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
ટ્રસ્ટના ડો. નેહલબેન કારાવદરાએ પોલીસને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ રખડતા શ્વાનોને પકડવાની કાર્યવાહી સામે ટ્રસ્ટને કોઈ વાંધો નથી, પરંતુ પકડાયેલા શ્વાનોને નિયમો મુજબ આશ્રય, ભોજન અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે. નાગરિકોએ પણ શ્વાનોના ઉપદ્રવ અંગે ફરિયાદ હોય તો કાયદેસરની પ્રક્રિયાનો સહારો લેવો જોઈએ અને પોતાના હાથે પ્રાણીઓ પર અત્યાચાર કરવો નહીં.
તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ કમલાબાગ વિસ્તાર તેમજ પોલીસ ચોકીથી ગોધાણિયા કોલેજ તરફ જતા માર્ગની કેટલીક ગલીઓમાં શ્વાનોને ઈજા પહોંચાડવાના બનાવો અંગે પણ માહિતી સામે આવી હતી. બીજી તરફ, શ્વાનોના ઉપદ્રવ અંગે મહાનગરપાલિકામાં ફરિયાદો થતી હોવાની પણ ચર્ચા છે. આ સમગ્ર મામલે મળેલા કેટલાક સીસીટીવી ફૂટેજ અને વીડિયો ટ્રસ્ટ સુધી પહોંચતા ટ્રસ્ટ દ્વારા શ્વાનો સાથે ક્રૂરતા કરનાર તત્વોને આવી પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી.
પરંતુ પોરબંદર માર્કેટ યાર્ડમાં વાયરલ થયેલા બે વીડિયોમાં શ્વાન સાથે ક્રૂરતા આચરાતી હોવાના આક્ષેપોને પગલે ટ્રસ્ટે હવે પોલીસ કાર્યવાહી માટે માંગ કરી છે. ફરિયાદમાં વીડિયોમાં દેખાતી વ્યક્તિની ઓળખ કરી, માર્કેટ યાર્ડમાં સ્થળ તપાસ તથા અન્ય જરૂરી તપાસ હાથ ધરી જવાબદાર વ્યક્તિ સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, ૧૯૬૦ની કલમ ૧૧(૧)(એ) તેમજ બીએનએસ, ૨૦૨૩ની કલમ ૩૨૫ સહિત લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ અરજીની જાણ માટે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરને પણ નકલ મોકલવામાં આવી હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ટ્રસ્ટે પોલીસ તંત્રને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી નિર્દોષ અબોલ પ્રાણી સાથે ક્રૂરતા કરનાર જવાબદાર વ્યક્તિ સામે કડક અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.


