સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેનની ગેરહાજરીમાં જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું : વિવિધ પ્રશ્ને વિપક્ષનું આક્રમક વલણ

સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેનની ગેરહાજરીમાં જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું : વિવિધ પ્રશ્ને વિપક્ષનું આક્રમક વલણ

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે કોર્પોરેશન ખાતે મળી હતી આ બેઠકમાં નોંધનીય બાબત એ હતી કે જનરલ બોર્ડની આ બેઠકમાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન ગેરહાજર રહયા હતા જયારે પ્રજાકીય વિવિધ પ્રશ્ને વિપક્ષ દ્વારા અસરકારક રજુઆતો કરવામાં આવી હતી અને આક્રમક વલણ જાેવા મળ્યું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાની આજે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ દ્વારા માત્ર બેજ મુદાનો એજન્ડા કાઢવામાં આવ્યો હતો જયારે વિપક્ષનાં નગરસેવકોએ વિવિધ મુદે પ્રશ્નો ઉઠાવી તથા દરખાસ્ત રજુ કરી અને શાસકોને ભીંસમાં લીધા હતા. જેમાં જૂનાગઢ શહેરમાં ગટરો ખોદીને મુકી દેવામાં આવી હોવાનો પ્રશ્ન વિપક્ષે ઉઠાવ્યો હતો અને આ બાબતે વિપક્ષનાં કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ ઉગ્ર રજુઆત કરી હતી જયારે કાળવાના વોંકળામાં સફાઈ માટે વન વિભાગ મંજુરી ન આપતું હોવાનો આક્ષેપ કોંગ્રેસનાં કોર્પોરેટર રાવણભાઈ પરમારે ઉઠાવ્યો હતો અને રજુઆત કરી હતી. આજની આ બેઠકમાં વિપક્ષ દ્વારા મુખ્ય પ્રશ્નોમાં અવારનવાર રસ્તાઓ બનાવી તોડવામાં આવી રહયા છે તે અંગે પોલીસી નકકી કરવા, જવાબદારો પર દાખલારૂપ કાર્યવહી કરવા તેમજ જાેષીપરા ફાટક નજીક ઓવરબ્રીજ માટે રાખેલા લોખંડ હટાવવાનો મુદો, ઝુપડપટ્ટીને રેગ્યુલાઈઝ કરવા, તેમજ મનપાનો વહિવટ બીપીએમસી મુજબ ચલાવવા, શહેરીજનોને રખડતા પશુઓ, શ્વાન કે મનપાની બેદરકારીથી થતાં અકસ્માતમાં વળતર આપવા માટે વિમો ઉતરાવવો, વેરા બીલ માટે નવા સોફટવેરનું સર્વર શરૂ કરી જનરલ બોર્ડ સમક્ષ રજુ કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મનપાની વિવિધ શાખાઓમાં ચાલતા વહીવટમાં બેદરકારી, ભ્રષ્ટાચાર સહિતનાં મુદે વિપક્ષનાં નગર સેવકો દ્વારા ૧ર જેટલા પ્રશ્નો પુછવામાં આવી રહેલ છે. શાસકોએ મનપાનાં બોન્ડ બહાર પાડવા તથા જાેષીપરાનાં કોમ્પ્લેક્ષનું ભાડું તથા પાઘડીની રકમ નકકી કરવા એજન્ડા બહાર પાડયો હતો ત્યારે આ તમામ મુદે મનપાનાં શાસકોને ખુલ્લા પાડવા અને પ્રજાકીય પ્રશ્નો રજુ કરવાની રણનીતિ સાથે વિપક્ષ દ્વારા ભારે તડાપીટ બોલાવવામાં આવી રહી છે.