સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની તડામાર તૈયારીઓનો પ્રારંભ

મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવ મંદિર સતત ૪ર કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે તેવું ઘડાઈ રહયું છે આયોજન

સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની તડામાર તૈયારીઓનો પ્રારંભ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ તા. ૩૧
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ અને આયોજનો કરાઈ રહયા છે. ઘડાઈ રહેલા આયોજન મુજબ મહાશિવરાત્રી   નિમીત્તે એટલે કે ૧પ ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે મંદિર સવારે ૪ વાગ્યે ખુલશે જે બીજે દિવસે એટલે કે તા.૧૬ ફેબ્રુઆરીના રોજ રાત્રીના ૧૦ વાગ્યે બંધ થશે.
આમ મંદિર સતત ૪ર કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. સમોનાથ ટ્રસ્ટ મહાશિવરાત્રીએ પોતાના તરફથી પ્રથમ ધજાનું પૂજન કરી સોમનાથ દાદાના શિખરે ધ્વજારોહણ કરશે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર પરીસરમાં ઢોલ-શરણાઈ પવિત્ર વેદમંત્રોચ્ચાર અને ધૂન-ભજન વાજતે ગાજતે શિવ પાલખી યાત્રા કાઢવામાં આવશે જે મંદિરની પ્રદક્ષિણા ફરશે. 
હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, બિલ્વપૂજા, પાદ્યપૂજા, સોમેશ્વર પૂજા, મહામૃત્યુંજય જાપ યજ્ઞ, સંધ્યા શણગાર, ચાર પ્રહર પૂજા, પાર્થેશ્વર પૂજા સહીતના વિવિધ કાર્યક્રમો પણ આયોજનમાં આવરી લેવાશે. 
સોમનાથ ટ્રસ્ટ તરફથી માત્ર  રૂા.રપ માં બિલ્વપૂજા થઈ શકે અને ભાવિક પોષ્ટના માધ્યમથી મહાદેવની પ્રસાદી મેળવી શકે તે માટેની યોજના પણ જાહેર કરાયેલ છે. તેવી જ રીતે મહાશિવરાત્રીના પર્વે  સોમનાથના સમુદ્ર તટે નિયત રકમમાં રજીસ્ટ્રેશન કરાવવાથી સોમનાથના સમુદ્ર તટે મારૂતી બીચ ઉપર શાસ્ત્રોકત વિધી વિધાન સાથે પાર્થિવ શિવલીંગની સમુહ મહાપૂજા યોજાશે.  શિવરાત્રીને અનુલક્ષીને સોમનાથ ખાતે ચારથી પાંચ વિશાળ ભોજન ભંડારા, નિ:શુલ્ક ભાવિકોને ભોજન-ફરાળ પ્રસાદી કરાવશે. બહારગામથી પગપાળા કે બસોમાં સંઘ સમાજ કે ધાર્મિક ભકતજનો સોમનાથ શિવરાત્રીએ ખાસ સોમનાથ આવી પહોંચશે. 
સોમનાથ શિવરાત્રી ચાર પ્રહર પૂજા આરતી જેમાં રાત્રે પ્રથમ પહરમાં આરતી અને રાત્રે ૯.૩૦ જયોત પૂજન, બીજા પ્રહર પૂજા રાત્રે ૧૧ મધ્યરાત્રીએ અને  આરતી રાત્રે ૧ર.૩૦ કલાકે,  ત્રીજા પ્રહર પૂજા રાત્રે ર.૪પ કલાકે અને આરતી રાત્રે ૩.૩૦ કલાકે, ચોથા પ્રહર પૂજા પ્રાંત ૪.૪પ કલાકે અને આરતી પ્રાંત પ.૩૦ કલાકે આ રીતે જાેઈએ તો ૧પ અને ૧૬ ફેબ્રુઆરીના રોજ બે દિવસમાં પૂજા-આરતી રહેશે. આમ બે દિવસમાં ૮ મહાપૂજા અને ૧૦ મહાઆરતી થશે.