અમેરીકા સાથેની ટ્રેડડીલ મામલે વિપક્ષોએ સંસદમાં ધમાલ મચાવી : વડાપ્રધાન આજે ચર્ચાનો જવાબ આપશે
લોકસભાની કાર્યવાહી બપોરના ર.૦૦ કલાક સુધી સ્થગિત : કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલના નિવેદન બાદ પણ ગૃહમાં ભારે સુત્રોચ્ચાર : સંસદના મકર ગેઈટ પર વિપક્ષોનું વિરોધ પ્રદર્શન : વધુ પાંચ સાંસદો પર સસ્પેન્શનની તલવાર લટકી રહી છે
(એજન્સી) નવી દિલ્હી તા.૦૪
અમેરીકા સાથે થયેલી ટ્રેડડીલ મામલે વિપક્ષના સાંસદોએ મોદી સરકાર પર જાેરદાર હુમલો કર્યો છે. વિપક્ષોએ એવો આક્ષેપ કર્યો છે કે, અમેરીકાના દબાણ સામે મોદી સરકાર ઝુકી ગઈ છે અને ખેડુતોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. એમ કહીને વિપક્ષના સાંસદોએ લોકસભામાં ભારે સુત્રોચ્ચાર સાથે ધમાલ મચાવી દીધી હતી. જે દરમ્યાન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા તેમ કહ્યું કે, આ ડીલથી વિકસીત ભારતના સંકલ્પને મદદ મળશે. ભારત અમેરીકા વચ્ચે સફળ ડીલ થઈ છે. પીયુષ ગોયલ સરકાર વતી જવાબ આપી રહ્યા હતા ત્યારે પણ વિપક્ષના સાંસદોએ ધમાલ ચાલુ રાખતા લોકસભાના સ્પીકર ઓમ બીરલાએ કહ્યું કે, આ રીતે વિરોધ કરી શકાય નહીં. વિરોધ કરવાનો પણ તરીકો હોય છે. વિપક્ષ ગૃહની મર્યાદા તોડી રહ્યો છે. તે ચલાવી લેવાય નહીં. ભારે હોબાળા વચ્ચે પણ પીયુષ ગોયલે તેમનું નિવેદન ચાલુ રાખ્યું હતું. પીયુષ ગોયલના નિવેદન બાદ પણ સતત હોબાળો ચાલુ રહેતા સ્પીકર ઓમ બીરલાને લોકસભાની કાર્યવાહી બપોરના ર.૦૦ કલાક સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. તે દરમ્યાન ગઈકાલે સ્પીકરની વેલ સુધી ધસી જઈને વિરોધ કરનાર વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા આજે લોકસભાના મકર ગેટ પર વિપક્ષના સસ્પેન્ડ કરાયેલા
આઠ સાંસદો સહિત રાહુલ ગાંધી સહિતના નેતાઓ સરકાર વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમ્યાનમાં વડાપ્રધાન મોદી આજે સાંજે વિપક્ષના આક્ષેપોના જવાબ આપશે તેવું જાણવા મળેલ છે. રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચા પર વડાપ્રધાન મોદી ગૃહમાં જવાબ આપશે. સંસદમાં બજેટ સત્રમાં જનરલ નરવણેના ડોકલામનો સંદર્ભ વિવાદમાં અધ્યક્ષ
સામે છેક ‘ચેર‘ સુધી ધસી જઈને કાગળો ફાડવા બદલ ગઈકાલે કોંગ્રેસના આઠ સાંસદોને સત્રના બાકીના સમય સુધી સસ્પેન્ડ કરાયા બાદ આજે વધુ પાંચ સાંસદો સામે પણ સસ્પેન્શનની તલવાર
લટકી રહી છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ મુદે આક્રમક છે. તેઓને આ અપ્રકાશિત પુસ્તકના એક મેગેઝીનમાં પ્રકાશિત થયેલા અંશને તેમના વકતવ્યમાં સામેલ કરવાના આગ્રહ રાખીને સીધી ટકકર સર્જી છે અને ગઈકાલે તેમને બોલવા દેવાનો ઈન્કાર કરાતા વિપક્ષના અન્ય સભ્યોએ પણ ચર્ચામાં ભાગ લીધો ન હતો.
આ મુદે લોકસભામાં સભ્યોએ રાહુલ ગાંધીને બોલવા દેવાની માંગ સાથે જબરી ધમાલ સર્જી હતી અને કામકાજના કાગળો ફાડી અધ્યક્ષ સામે ફેકયા હતા. જેમાં ૮ સાંસદોને ગૃહ તથા અધ્યક્ષની ગરીમાનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરાયા બાદ સરકાર વધુ આક્રમક છે.


