આગામી ૯૦ દિવસ સુધી લોકોને સ્વદેશી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે : મુખ્યમંત્રી
અમદાવાદ, તા.૧
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના ૧૨૬મા કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતાં. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મન કી બાત એ એવો કાર્યક્રમ છે જેમાં સમાજજીવન અને જાહેરજીવનમાં પ્રેરણાદાયી કાર્યો કરનારા લોકોને દેશ જાણે છે. વડાપ્રધાન મોદીએ હંમેશા નાના અને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવા કટિબદ્ધતા દર્શાવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અનાજ વિતરણ, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેકવિધ યોજનાના લાભો પાત્રતા ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. આયુષ્યમાન યોજના આજે ગરીબો અને સામાન્યવર્ગની સંજીવની બની છે. વડાપ્રધાનએ આર્ત્મનિભર ભારત સંકલ્પ યાત્રા સ્વરૂપે જનઆંદોલન શરૂ કર્યું છે. સરકારી યોજનાના લાભો સેચ્યુરેશન સુધી પહોંચે એ વડાપ્રધાનનો સંકલ્પ છે. ૨૫ સપ્ટેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધીના ૯૦ દિવસ સુધી ચાલનારા આ જનઆંદોલનમાં સ્વદેશી અને આર્ત્મનિભર ભારતની મુહિમને વેગવંતી બનાવીને લોકોને સક્રિય રીતે સ્વદેશી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.


