આજથી સાતમ-આઠમનાં તહેવારોની શ્રૃંખલાનો પ્રારંભ

બોળ ચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી નંદ મહોત્સવની ઉજવણી માટે ભારે ઉત્સાહ

આજથી સાતમ-આઠમનાં તહેવારોની શ્રૃંખલાનો પ્રારંભ

જૂનાગઢ તા. ૩૧
આજ તા.૩૧ ઓગષ્ટ સોમવારથી શ્રાવણી માસના છ દિવસીય તહેવારોની શ્રૃંખલાનો પ્રારંભ થઈ રહયો છે. બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ઉજવણી કરવા માટે  જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.
રક્ષાબંધનના પર્વની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથેજ શ્રાવણ માસનાં પ્રથમ ૧પ દિવસ પુરા થયા છે અને આજથી શ્રાવણ વદનાં દિવસો શરૂ થયા છે. શ્રાવણ માસનાં ખાસ કરીને સાતમ-આઠમનાં તહેવારોની ઉજવણીનો આજ સોમવારથી પ્રારંભ થઈ રહયો છે.  આજે તા.૩૧ ઓગષ્ટનાં બળચોથનું પર્વ હોય બોળચોથનાં પર્વની ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી છે અને ગૌવંશની પૂજા સાથે તેમને  નૈવેદ્ય ધરાશે અને પૂજનવિધી કરાશે. જયારે પાંચમનો ક્ષય હોવાથી મંગળવાર તા.૧ સપ્ટેમ્બરનાં રોજ નાગપાંચમની ભાવપુર્વક ઉજવણી કરવામાં આવશે. નાગદેવતાનાં મંદિરોમાં સવારથી જ પૂજન સહીતનાં કાર્યક્રમો ભક્તિભાવ પુર્વક યોજવામાં આવશે અને નાગદેવતાનાં આશીર્વાદ ભકતજનો મેળવશે. જયારે બુધવાર તા.ર-૯-ર૦ર૬નાં રોજ રાંધણ છઠ્ઠનું પર્વ હોય આ પર્વની પણ ઉજવણી થશે. ખાસ કરીને  ગૃહિણીઓ દ્વારા ઘરે થેપલા, ગાંઠીયા, સકકરપારા, વાનવા, પુરી, મીઠાઈ સહીતની ફરસાણને લગતી વિવિધ આઈટમો બનાવશે. 
આજે તો તહેવારોને ધ્યાને લઈ બજારોમાં પણ ફરસાણ અને મીઠાઈની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ બની છે તેની મોટાપાયે ખરીદી થાય છે.  રાંધણ છઠ્ઠના બીજા  દિવસે એટલે કે તા.૩-૯-ર૦ર૬ ગુરૂવારનાં રોજ શીતળા સાતમનાં તહેવાર પ્રસંગે શીતળા માતાજીનું પૂજન કરવામાં આવશે અને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે. શીતળા સાતમનાં દિવસે ચુલો ઠારવાનો હોય જેથી એક દિવસ રસોઈ કામ બંધ રહેશે. શીતળા માતાજીનાં મંદિરોમાં સવારથી જ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવશે.  શ્રાવણ માસનો સૌથી મોટો તહેવાર જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવની તા.૪-૯-ર૦ર૬ શુક્રવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમીત્તે ઠેર-ઠેર શોભાયાત્રા સહીતનાં કાર્યક્રમો યોજાશે અને રાત્રીનાં ૧ર વાગ્યે  મંદિરોમાં કૃષ્ણ જન્મનાં વધામણા કરવામાં આવશે. જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. જયારે તા.પ-૯-ર૦ર૬ શનીવારનાં રોજ નંદ મહોત્સવ, ગોગા નોમની પણ સર્વત્ર ભાવપુર્વક ઉજવણી કરવામાં આવશે. આજ સોમવારથી  શનીવાર સુધી તહેવારોની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ભારે થનગનાટ જાેવા મળે છે.