આધુનીક દાંડીયા રાસ એટલે કમાણીનો ધીકતો ધંધો
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં રાસોત્સવનાં ભવ્ય આયોજનો : પ્રવેશ પાસના રૂા.૨૫૦૦ થી રૂા.૧૦,૦૦૦ ની પાસ સીસ્ટમ
જૂનાગઢ તા.૧૩
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારથી પ્રારંભ થયેલ નવરાત્રીનો આજે ત્રીજાે દિવસ છે. એટલે કે આજે ત્રીજુ નોરતું છે અને સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રી દરમ્યાન આધુનીક દાંડીયા રાસનાં આજે સૌરાષ્ટ્રભરમાં મોટાપાયે આયોજનો થયા છે. જેમાં કેટલાક આયોજનોમાં વેપારનું તત્વ પણ ઘુસી ગયું છે અને આધુનીક દાંડીયા રાસનાં નામે વેપારનો બિજનેશ થતો હોવાનું મનાઈ છે. નવરાત્રીનો તહેવાર એ જગદંબા માં અંબાજી માતાજીની આરાધનાનું પર્વ છે. માતાજીનો ગરબો પધાવી ઘટ સ્થાપન કરવું, માતાજીના ગરબા ગાવા પૂજન, આરતી, અનુષ્ઠાન સહીતના કાર્યક્રમો તેમજ આઠમનાં હવનનો કાર્યક્રમ યોજાઈ છે. શક્તિની આરાધનાનાં પર્વ નવરાત્રીમાં પરંપરાગત રીતે ધાર્મિક કાર્યો, પૂજા, હવન, અનુષ્ઠાન કરવામાં આવે છે. આ ઉપરાંત શેરી, ગરબીનાં આયોજનો જેમાં બાળાઓનાં રાસ લેવાય છે. આ રીતે નવરાત્રીની ઉજવણી થાય છે. દરમ્યાન છેલ્લા કેટલાક વર્ષો થયા નવરાત્રી દરમ્યાન આધુનીક દાંડીયા રાસનાં કાર્યક્રમો પણ યોજાવા લાગ્યા છે.
છેલ્લા બે દાયકાથી લગભગ મોટાભાગનાં શહેરોમાં ભવ્ય રાસોત્સવનાં કાર્યક્રમો યોજાઈ છે. આ રાસોત્સવનાં આયોજનમાં પણ એવું છે કે, વિવિધ જ્ઞાતિ, સમાજનાં આગેવાનો દ્વારા પોતાના સમાજ માટે અને ખાસ તો પોતાના સમાજનાં યુવક-યુવતીઓ ઘર આંગણે સમાજ આયોજીત રાસ-ગરબામાં ભાગ લઈ શકે અને જ્ઞાતી-સમાજની એકતા વધુ મજબુત બને તે આશયથી આધુનીક દાંડીયા રાસના કાર્યક્રમો યોજવા શરૂ થયા અને તેને સારો આવકાર મળ્યો અને આજે પણ વિવિધ જ્ઞાતી સમાજાે દ્વારા જ્ઞાતી પરિવાર માટે દાંડીયા રાસનાં કાર્યક્રમો માટે રાસોત્સવના આયોજન થાય છે અને સફળ પણ રહયા છે. જે તે શહેરની સ્થાનીક શેરી-ગરબીઓ, ઉપરાંત વિવિધ જ્ઞાતી-સમાજાે દ્વારા થતાં રાસોત્સવનાં કાર્યક્રમો ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષો થયા આધુનીક દાંડીયા રાસના કાર્યક્રમોમાં હવે બિઝનેશનું તત્વ પણ ભળ્યું છે. સૌરાષ્ટ્રનાં લગભગ મોટા શહેરોમાં હવે ખાનગી પાર્ટીઓ પણ આધુનીક દાંડીયા રાસનાં કાર્યક્રમો યોજે છે. જેમાં પાર્ટીપ્લોટ, આધુનીક લાઈટ ડેકોરેશન, જાણીતા કલાકારો, ઓરકેસ્ટ્રા, ડીજે સીસ્ટમ સાથે ખેલૈયાઓને માટે રાસ રમવાનું મોકળું મેદાન પુરૂં પાડવામાં આવે છે.
મોંઘા ભાવે પાર્ટીપ્લોટ ભાડે રાખી તેમજ રાસોત્સવ યોજવા માટે જરૂરી લાઈટ ડેકોરેશનથી લઈ ખાણીપીણી સુધીની વ્યવસ્થા થતી હોય છે. નવરાત્રીના ૯ દિવસોમાંના આ કાર્યક્રમમાં યુવા વર્ગ ઉમંગભેર જાેડાય છે. આવા રાસોત્સવમાં પ્રવેશવા માટે એક વ્યક્તિ, બે વ્યક્તિ કે પાંચ વ્યક્તિ એમ અલગ અલગ પાસ સીસ્ટમ રાખવામાં આવે છે. જેનાં રૂા.૨૫૦૦ થી ૧૦,૦૦૦ સુધીનાં ‘પાસ’નું વેચાણ થતું હોય છે. મોંઘા ભાવનાં પાસ રાખવામાં આવતા હોવા છતાં આવા પાસ ચપોચપ વેચાઈ પણ જતાં હોય છે અને ડીમાન્ડ પણ રહે છે. આમ છેલ્લા કેટલાક સમય થયા હવે આધુનીક દાંડીયા રાસનાં આયોજનમાં વેપારનું તત્વ પણ સામેલ થયું છે અને ભારે મોટો બિજનેશ થતો હોવાનાં કારણે હવે ખાનગી પાર્ટીઓ પણ આધુનીક દાંડીયા રાસનાં આયોજનમાં ભાગ લેતી હોવાની ચર્ચા છે.


