આયુર્વેદિક સારવારથી આંખના જટિલ રોગોમાં આશાજનક પરિણામો: જૂનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બન્યું દર્દીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર
વ્યક્તિગત સારવાર પદ્ધતિથી અનેક દર્દીઓમાં નોંધપાત્ર સુધારાનો દાવો; નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નિઃશુલ્ક સુવિધાઓનો લાભ લેવા અપીલ
જૂનાગઢ, તા. 14:
આધુનિક જીવનશૈલી, વધતો સ્ક્રીન ટાઈમ અને વિવિધ આરોગ્ય સમસ્યાઓના કારણે આંખના રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં જૂનાગઢની સરકારી આયુર્વેદ હોસ્પિટલનો શાલાક્ય તંત્ર વિભાગ આંખના અનેક જટિલ રોગોની આયુર્વેદિક સારવાર માટે દર્દીઓમાં વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યો છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ, અહીં સારવાર લીધેલા અનેક દર્દીઓમાં સકારાત્મક પરિણામો નોંધાયા છે.
હોસ્પિટલમાં સંપૂર્ણ અંધત્વ, ઝામર, આંખના પડદાની સમસ્યાઓ, નળી બ્લોક થવી, આંખમાં સોજો, પડદામાં પાણી ભરાવું, એલર્જીક આંખના રોગો તેમજ ચશ્માના નંબર જેવી વિવિધ સમસ્યાઓ માટે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર આપવામાં આવે છે. દર્દીની શારીરિક પ્રકૃતિ અને રોગની સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત સારવાર યોજના તૈયાર કરવામાં આવે છે.
હોસ્પિટલના શાલાક્ય તંત્ર વિભાગના વડા અને રીડર ડૉ. ક્રિષ્ના માકડિયાના જણાવ્યા મુજબ, આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર દરેક દર્દીની પ્રકૃતિ અલગ હોવાથી તેની સારવાર પણ વ્યક્તિગત રીતે નક્કી કરવામાં આવે છે. નસ્ય, તર્પણ, પુટપાક, નેત્રધારા, પિંડી, બીડાલક, વિરેચન અને બસ્તી જેવી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિઓ સાથે જરૂરી ઔષધિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર, અહીં સારવાર લીધેલા કેટલાક દર્દીઓમાં દ્રષ્ટિ સંબંધિત ગંભીર તકલીફોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સારવાર બાદ દર્દીઓ ફરીથી રોજિંદા કાર્યો સ્વતંત્ર રીતે કરી શકતા બન્યા હોવાનું પણ જણાવાયું છે.
જૂનાગઢ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આંખના ચશ્માના નંબરની તપાસ, આંખનું દબાણ માપવાની સુવિધા, ડ્રાય આઈ માટેની તપાસ, ફંડોસ્કોપી સહિતની વિવિધ નિદાન સેવાઓ પણ ઉપલબ્ધ છે. સ્થાનિક લોકો ઉપરાંત સુરત, કચ્છ અને પોરબંદર જેવા વિસ્તારોમાંથી પણ દર્દીઓ સારવાર માટે અહીં આવી રહ્યા હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
ડૉ. ક્રિષ્ના માકડિયાએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં મળતી અધૂરી માહિતીના આધારે આંખ પર કોઈપણ પ્રકારના પ્રયોગો ન કરવા જોઈએ. આંખ સંબંધિત કોઈપણ તકલીફ જણાય તો તાત્કાલિક નિષ્ણાત તબીબની સલાહ લેવી જરૂરી છે.
સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં અનુભવી તબીબોની ટીમ દ્વારા નેત્રરોગોની નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર આપવામાં આવી રહી છે અને વધુમાં વધુ દર્દીઓ આ સરકારી સુવિધાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.


