એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-૨૧ રિટાયર્ડ
રાજનાથ સિંહ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ભારતીય વાયુસેનાના મિગ-૨૧ લડાકૂ વિમાનના કાફલાને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૭
ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી લડાકૂ વિમાન રહેલું મિગ-૨૧ ગઈકાલે એટલે કે ૨૬ સપ્ટેમ્બરના રોજ સેવામુક્ત થઈ ગયું છે. આ વિમાન ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે, જેણે ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ના યુદ્ધોમાં પાકિસ્તાનીઓના દિલમાં ભય પેદા કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ફ્લાઇંગ મશીને પોતાની સેવાના અંતિમ તબક્કામાં પણ પાકિસ્તાનની શાન ગણાતા એફ-૧૬ લડાકૂ વિમાનનો શિકાર કર્યો હતો. ચંદીગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મિગ-૨૧ને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
સેવામુક્ત થવાના સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભારતીય વાયુસેનાના મિગ-૨૧ લડાકૂ વિમાનના કાફલાને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા. તેમની સાથે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, સીઓએએસ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સીએનએસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી પણ હાજર હતા.
મિગ-૨૧ લડાકૂ વિમાનના કાફલાને સેવામુક્ત કરતા પહેલા, વિંગ કમાન્ડર રાજીવ બત્તીશ (નિવૃત્ત) એ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં કહ્યું હતું કે, મિગ-૨૧નો ઇતિહાસ ખૂબ લાંબો છે અને આટલી મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું એ સાબિત કરે છે કે આપણે સૌ આ વિમાન સાથે ભાવનાત્મક રીતે જાેડાયેલા છીએ.
વિંગ કમાન્ડરે કહ્યું કે, જ્યાં સુધી ભારતનો સવાલ છે, લડાકૂ વિમાનોમાં સૌથી વધુ ઉડાન ભરવામાં આવી હોય તેવા વિમાનોમાં મિગ-૨૧ અગ્રણી છે. તે ખૂબ જ શક્તિશાળી વિમાન હતું, જે મોટાભાગે પૂર્વી બ્લોકના દેશો દ્વારા ઉડાડવામાં આવ્યું હતું. મિગ-૨૧ એક શાનદાર મશીન હતું અને તેનો પુરાવો એ છે કે દેશભરમાંથી અને વિદેશોમાંથી પણ આટલા બધા લોકો વિમાનને અલવિદા કહેવા અહીં આવ્યા છે.
આજે ૬૩ વર્ષની સેવા પૂરી થયા બાદ આ લડાકૂ વિમાનોને સેવામુક્ત કરવામાં આવ્યા. મિગ-૨૧ વિમાનોને ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા અને સેવામુક્ત થતાં પહેલાં તેમણે છેલ્લી વાર ઉડાન ભરી હતી.
ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત છેલ્લા છ મિગ-૨૧ ફાઇટર (બાઇસન વેરિયન્ટ્સ) વિમાનોએ ૨૬ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ચંડીગઢમાં અંતિમ ઉડાન ભરી. આ ઘટનાએ ભારતના લશ્કરી ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી વીરતાપૂર્ણ અધ્યાયોમાંનો એક અધ્યાય પૂરો કર્યો. ૧૯૬૩માં પ્રથમ વાર સેવામાં આવ્યા બાદ ૧૨૦૦થી વધુ મિગ-૨૧ વિમાનોએ ભારતની આકાશી સરહદોનું રક્ષણ કર્યું હતું અને ૧૯૬૫, ૧૯૭૧, અને ૧૯૯૯ કારગિલ જેવા યુદ્ધો તથા ૨૦૧૯ની બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.
૧૯૫૪માં મિકોયાન-ગુરેવિચ દ્વારા ડિઝાઇન કરાયેલું મિગ-૨૧ દુનિયાનું સૌથી વધુ પ્રચલિત સુપરસોનિક ફાઇટર વિમાન બની ગયું હતું. ૬૦થી વધુ દેશોની વાયુસેનાઓમાં તેનો દબદબો હતો. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી વાયુસેનાની ક્ષમતા વધારવાના ભાગરૂપે ભારતે ૧૯૬૩માં સોવિયેત યુનિયન સાથે કરાર કરીને પહેલા ૧૩ નંગ મિગ-૨૧ (MiG-21F-13s) વિમાનોની ખરીદી કરી હતી.


