ગુજરાતમાં ઉત્તરાયણે ૯ની જીવાદોરી કપાઈ ગઈ
સુરતમાં પતંગની દોરી વચ્ચે આવતા બાઈક સવાર પરિવાર ૭૦ ફુટ ઉંચા બ્રીજ પરથી નીચે પટકાતા પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ કરૂણ મોત : મકરસંક્રાતિ અનેક પરિવારો માટે પીડાદાયક સાબિત થઈ : પ૦૦૦ થી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા
(બ્યુરો) સુરત તા.૧૫
૧૪ જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વએ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક પરિવારના ત્રણ સભ્ય ૭૦ ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી ૭૦ ફૂટ નીચે પડી ગયા હતાં. આ ઘટનામાં ૭ વર્ષની પુત્રી અને ૩૫ વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે માતા ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાના કારણે બચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું.
મકરસંક્રાંતિનો દિવસ ગુજરાતના ૯ પરિવાર માટે કાળમુખો બન્યો છે. બાયડ-ખંભાત અને જંબુસરમાં ૩નાં ગળા કપાતા મોત નીપજ્યાં છે. જ્યારે વડોદરામાં પતંગ પકડવાની લહાયમાં એક ૧૦ વર્ષના બાળક અને એક યુવક મળી બે લોકોના મોત થયા છે. તો સાંજના સમયે સુરતની કરુણ ઘટનામાં પિતા-પુત્રી અને રાજકોટમાં બે કારના અકસ્માતમાં બે માસુમ બાળકનો જીવ ગયો છે.
ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસની સાથે અનેક પરિવારો માટે પીડાદાયક સાબિત થયો છે. પતંગની ધારદાર દોરી અને અગાસી પરથી પટકાવા જેવી ઘટનાઓને કારણે રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યમાં કટોકટીની સ્થિતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અને રાજયમાં પ૦૦૦ ઈમરજન્સી કેસ નોંધાયા હોવાના આંકડા બહાર આવ્યા છે.


