ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન અને ટીમ રાજકોટની મુલાકાતે
જનાના હોસ્પિટલ, પી.એમ. પોષણ યોજનાના સેન્ટ્રલાઈઝ્ડ કિચન, આંગણવાડી સહિતના સ્થળોની મુલાકાત લીધી બાળાઓને "ગુડ ટચ, બેડ ટચ"નું શિક્ષણ અને ચોમાસામાં સ્વચ્છતા જાળવવા બાળ આયોગના ચેરમેનનો અનુરોધ
રાજકોટ તા.૧૫
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધમિર્ષ્ઠાબેન ગજ્જર તેમજ સભ્ય અમૃતાબેન અખિયાં અને કમલેશભાઈ રાઠોડે આજરોજ રાજકોટની જનાના હોસ્પિટલ, પી.એમ. પોષણ યોજનાના સેન્ટ્રલાઈઝ્ડ કિચન, પોલીસ હેડ ક્વાર્ટર ખાતેની આંગણવાડી, મહિલા પોલીસ સ્ટેશન તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં આ તમામ સ્થળો ખાતે મહિલાઓ અને બાળકોને અપાતી વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. આયોગની ટીમે જનાના હોસ્પિટલના આઉટબોર્ન એન.આઈ.સી.યુ., ન્યુ બોર્ન ઓ.પી.ડી., પીડિયા-૨ સહિતના વિભાગોની મુલાકાત દરમિયાન દર્દીઓ માટેની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી, તેમજ આયોગના ચેરમેન અને સભ્યોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મહિલા દર્દીઓની મુલાકાત લઈ તેમના તથા તેમના બાળકોના ખબરઅંતર પૂછ્યા હતા. આ તકે ચેરમેનએ જનાના હોસ્પિટલ ખાતે દર્દીઓને અપાતી વિવિધ તબીબી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરી ઉપસ્થિત સ્ટાફને માનવતાના કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ આયોગની ટીમે શહેરના લીમડા ચોક ખાતે પી.એમ. પોષણ યોજના અંતર્ગત કાર્યરત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલાઈઝ્ડ કિચનની મુલાકાત લીધી હતી. જેમાં અનાજના જથ્થાની ગુણવત્તા, રસોઈમાં વપરાતા મસાલાઓ, અન્ય સામગ્રી, વાસણો તેમજ સ્વચ્છતા સહિતના તમામ પાસાંઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ચેરમેનએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રસોઈઘર અને આસપાસ સંપૂર્ણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સેન્ટ્રલાઈઝ્ડ કિચન ખાતેથી રાજકોટ મહાનગરપાલિકાની ૮૯ જેટલી શાળાઓના બાળકોને પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન પહોંચાડવામાં આવે છે. આયોગની ટીમે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિમિર્ત અને રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલી આંગણવાડીની મુલાકાત લઈ બાળકો માટે ઉપલબ્ધ રમત-ગમત તેમજ શૈક્ષણિક સુવિધાઓની માહિતી મેળવી હતી. અહીં ચેરમેનશ્રી અને સભ્યોએ ભૂલકાંઓ સાથે મુક્ત મને વાતચીત કરી હતી. આ આંગણવાડીમાં હાલ ૩૪ જેટલા બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારપછી આયોગની ટીમ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જેમાં આયોગના હોદ્દેદારોએ મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ઇન્વેસ્ટિગેશન રૂમ અને વહીવટી-હિસાબી શાખાની મુલાકાત લઈ ત્યાંની સેવાઓ, તપાસની પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ચેરમેન દ્વારા બાળકોને લગતા કાયદાઓની સચોટ અમલવારી કરવા તેમજ દીકરીઓને સુરક્ષિત રાખવા અને તેમનામાં જાગૃતિ લાવવા માટે "ગુડ ટચ, બેડ ટચ" અંગે વિશેષ શિક્ષણ આપવામાં આવે તે માટે સંબંધિત સ્ટાફને સૂચનો કર્યા હતા. ત્યારબાદ આયોગની ટીમે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાતમાં દીકરીઓ સાથે સંવાદ સાધી શાળામાં અપાતા શિક્ષણ, રહેવા-જમવાની વ્યવસ્થા, સ્વચ્છતા સહિતની સવલતો અંગે જાણકારી મેળવી હતી, તેમજ પરિસરમાં અપાતી આરોગ્યલક્ષી સુવિધાઓ અને સ્વાસ્થ્ય સંબંધી સજ્જતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાઈ સાહિબા અને જે.જે.પાઠક શાળામાં અભ્યાસ કરતી ૧૦૦ જેટલી વિર્દ્યાથિનીઓ કેજીબીવીમાં વસવાટ કરી રહી છે.


