ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગાંધીનગર તા.૧૮ :
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક અજ્ઞાત ઈ-મેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ગુજરાતમાં હાઈકોર્ટથી સરકારી કચેરીઓ, શાળાઓથી પોસ્ટ ઓફીસ અને શાળાઓને મળી રહેલી બોમ્બ ધમકી બાદ હવે આજે સવારે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સંપૂર્ણ વિધાનસભા સંકુલ ખાલી કરાવીને તમામ ધારાસભ્યોને સ્વણિર્મ સંકુલ-૨ ખાતે આવેલા દ્વારીકા હોલમાં સલામત કરીને પુરા વિધાનસભા સંકુલની પોલીસની બોમ્બ તથા ડોગસ્કવોડ મારફત તપાસ શરૂ કરવામાં આવી છે. આજે વિધાનસભાના બજેટ સત્રના ૨૧માં દિવસે ગૃહનું કામકાજ સવારે ૯ વાગ્યે શરૂ થયું હતું અને મોટાભાગના ધારાસભ્યો ગૃહમાં હતા.
તે સમયે જ ગૃહને આજે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેમાં એક ધમકી ભર્યો ઈ-મેલ મળ્યા હોવાની જાણ સુરક્ષા વિભાગને થતા જ તુર્તજ સલામતી રૂપે તમામ ધારાસભ્યો, વિધાનસભા અધિકારીઓ તથા કર્મચારીઓને સંકુલની બહાર જવા જણાવાયુ હતું. ધારાસભ્યોને સ્વણિર્મ સંકુલ-૨ ખાતે આવેલા દ્વારીકા હોલ ખાતે સલામત કરાયા હતા.
ગાંધીનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડોગ તથા બોમ્બ સ્કવોડ સાથે દોડી આવ્યા હતા તથા સમગ્ર સંકુલની તલાશી શરૂ કરી હતી. આ ઈ-મેલ કયાંથી કોને મળ્યો તે અંગે હજુ માહિતી જાહેર થઈ નથી તથા ઓલ કલીયરનો સંદેશ મળ્યા બાદ ગૃહની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તો બીજી તરફ સાયબર ક્રાઈમ પોલીસે ઈ-મેલનું પગેરુ મેળવવા માટે તપાસમાં જોડાઈ છે. ગઈકાલે જ કર્મયોગી ભવનને પણ આ જ રીતે બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી હતી.


