ગીરમાં ગેરકાયદેસર રીસોર્ટ - હોટલો સામે કડક કાર્યવાહી કરાશે : સરકારનો મહત્વનો નિર્ણય નવી એકપણ મંજુરી આપવામાં નહીં આવે

ગીરમાં ગેરકાયદેસર રીસોર્ટ - હોટલો સામે કડક કાર્યવાહી કરાશે : સરકારનો મહત્વનો નિર્ણય નવી એકપણ મંજુરી આપવામાં નહીં આવે

જૂનાગઢ તા.15
ગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય થયા ગેરકાયદેસર રીસોર્ટ અને હોટલો ધમધમી રહયાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામેલી છે. આ દરમ્યાન સુપ્રિમ કોર્ટમાં તાજેતરમાં જ થયેલા એક ખુલાસામાં 501માંથી માત્ર 113 રીસોર્ટ કાયદેસર હોવાનો ખુલાસો થયો છે. અને આ બાબત બહાર આવતા સરકાર ચોંકી ઉઠી હતી. અને તાત્કાલીક અસરથી એક એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. સિંહોની વધતી જતી પજવણી તેમજ માનવ અને સિંહ વચ્ચેનાં વધી રહેલા સંઘર્ષનાં બનાવોને ધ્યાને લઈ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ગીરમાં ગેરકાયદેસર રીસોર્ટ તેમજ હોટલો સામે કડક કાર્યવાહીનાં ભાગરૂપે તેઓને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. તેમજ નવી મંજુરી નહીં આપવામાં આવે તેમ જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગીર આસપાસના ભાગોમાં છેલ્લા 45 દિવસ (દોઢ મહિના)માં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના 10 કેસ નોંધાતા સરકારમાં દોડધામ થઈ પડી છે. ગુજરાતના ગૌરવસમા સિંહ તથા લોકો બંનેને બચાવવા માટે નવો એકશનપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગીર વિસ્તારમાં નવા રિસોર્ટને મંજુરી આપવામાં નહીં આવે ઉપરાંત હયાત ગેરકાયદે રિસોર્ટ પર તવાઈ ઉતારાશે. અનિયંત્રીત પ્રવાસન તથા અભ્યારણ ક્ષેત્રમાં નિરંકુશ હેરફેર પર લગામ મુકવાનો સરકારનો વ્યુહ છે. આ તકે રાજયના વનવિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી સમીક્ષા ન થાય ત્યાં સુધી ગીર આસપાસના એકપણ નવી હોટેલ કે રિસોર્ટને મંજુરી નહીં આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હાલ આ ક્ષેત્રમાં હોટલ-રિસોર્ટનો રાફડો છે. ઉપરાંત હોમસ્ટે પણ ચાલુ થયા હોવાથી માણસો મોટી સંખ્યામાં રહેવા લાગ્યા છે. આમાંથી કેટલાંક તત્વો ગેરકાયદે લાયન-શો કરે છે તેમજ બારોબાર જંગલ પ્રવાસ પણ કરાવે છે. પર્યાવરણવાદીઓ તેમાં વખતોવખત વિરોધ કરે જ છે. રાજયના વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ગીર તથા ગ્રેટર ગીર ક્ષેત્રમાં નવા રિસોર્ટ-હોટલને મંજુરી નહીં આપવાનો ર્નિણય લેવાયો છે. ઉપરાંત મંજુરી વિના ગેરકાયદે ચાલતી હોટલ-રિસોર્ટને બંધ કરાવીને ડીમોલીશન કાર્યવાહી કરાશે. અને જેના માટે તુરત સર્વે હાથ ધરાશે. ધારી-તુલસીશ્યામ કોરિડોર પર ખાસ ફોકસ રહેશે. જયાં 30 જેટલા રીસોર્ટ ખડકાઈ ગયા છે. દીવ જતા પ્રવાસીઓ આ ક્ષેત્રમાં હોલ્ટ કરીને સિંહદર્શન માટે પ્રયાસ કરતા હોય છે. એક અંદાજ પ્રમાણે તલાલા, સાસણ અને મેંદરડા બેલ્ટમાં 550 જેટલા હોમસ્ટે ચાલે છે. અગાઉ હોમસ્ટેની મંજુરી લીધા બાદ કોમશિર્યલ રિસોર્ટમાં ફેરવાઈ ગયા છે. તેમની સામે શરત-નિયમભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અભ્યારણમાંથી નિકળતા રસ્તા પરથી પસાર થતા વાહનો પર નિયંત્રણ મુકવાની તૈયારી છે. પ્રવાસીઓ અધવચ્ચે અટકીને સિંહની તલાશ કરતા હોય છે. નવી ટેકનોલોજી દાખલ કરીને નજર રાખવામાં આવશે. વધુમાં ગીરની અંદર આવેલા ધામિર્ક સ્થાનોમાં યાત્રાળુઓના ધસારાને નિયંત્રિત કરવા માટે પણ વન વિભાગ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે. જંગલ સફારી માટે પ્રવાસીઓ પર મર્યાદા છે તે ધોરણે યાત્રાળુઓની સંખ્યા પર મર્યાદા લાગૂ કરવાની દરખાસ્ત પર વિચારણા હાથ ધરવામાં આવી છે. યાત્રાળુઓને જુદા-જુદા ગ્રુપમાં મોકલવા તથા તાલીમબધ્ધ ટ્રેકરને સાથે રાખવાની વિચારણા છે. સાવજોને કોઇ ખલેલ ન પહોંચે તે માટે ઉંચાભાગોમાં યાત્રાળુઓને લઇ જતાં ડોલીવાળા માટે પણ નિયત કેડી માર્ગ નકકી કરાશે અને તે માટે તાલીમ પણ આપવામાં આવશે.