જૂનાગઢમાં મિશન ફોર આત્મનિર્ભર ઇન પલ્સ અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ,તા.27
ભારત સરકારના “મિશન ફોર આત્મનિર્ભર ઇન પલ્સ” અંતર્ગત ખેડૂતોને કઠોળ પાકનું ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો થાય તેમજ આધુનિક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધે તે હેતુથી આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે સરદાર સ્મૃતિ કેન્દ્ર, જુ.કૃ.યુ. જુનાગઢ ખાતે “ઈમ્પ્રુવડ પલ્સ પ્રોડક્શન ટેકનોલોજી એન્ડ બેસ્ટ એગ્રોનોમિક પ્રેક્ટિસીસ” વિષય પર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ તાલુકાના અને વંથલી તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બંને તાલીમ કાર્યક્રમોમાં ખેડૂતોને કઠોળ પાકોનું મહત્વ અને કઠોળમાં આત્મનિર્ભરતા તરફ એક પગલું, કઠોળ પાકમાં સુધારેલ જાતોની પસંદગી, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, પાક વ્યવસ્થાપન, પોષણ વ્યવસ્થાપન, રોગ જીવાત નિયંત્રણ તેમજ વધુ ઉત્પાદન સાથે સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે અપનાવવામાં આવતી શ્રેષ્ઠ એગ્રોનોમિક પ્રેક્ટિસીસ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના વિષય નિષ્ણાતો તથા વૈજ્ઞાનિકો દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ડો. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક, જુ. કૃ. યુ., જૂનાગઢ, જી. એસ. દવે, સંયુક્ત ખેતી નિયામક, જૂનાગઢ અને રાજકોટ વિભાગ, ડી. જી. રાઠોડ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ, જે. જે. ભટ્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જૂનાગઢ તથા ડો. એચ. સી. છોડવડીયા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક, જુ. કૃ. યુ., જૂનાગઢ, ઉપસ્થિત રહ્યા હતા. તથા ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને કઠોળ પાકોમાં આધુનિક ખેતી પદ્ધતિઓનો સ્વીકાર, ગુણવત્તાયુક્ત બિયારણનો ઉપયોગ, સંતુલિત પોષણ વ્યવસ્થાપન તથા વૈજ્ઞાનિક કૃષિ અભિગમ અપનાવી ઉત્પાદન અને આવકમાં વધારો કરવા માટે માર્ગદર્શન આપ્યું અને આ સાથે જ “મિશન ફોર આત્મનિર્ભર ઇન પલ્સ”ના હેતુઓ, કઠોળ પાકોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં સરકારના પ્રયાસો તથા ખેડૂતોની સક્રિય ભાગીદારી અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
ખેડૂતોએ તાલીમ દરમિયાન વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવી કઠોળ પાકના વૈજ્ઞાનિક ઉત્પાદન અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એસ. કે. પરમાર, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.



