જૂનાગઢમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતી ઉજવાશે

૨૯ ઓક્ટોબરે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે વિવિધ કાર્યક્રમો : ૨૨૬ દીવડાની આરતી,રક્તદાન કેમ્પ, ગૌશાળા-પક્ષીઓને દાન, ભૂદેવોને ભોજન અને જ્ઞાતિ મહાપ્રસાદ સહિતના આયોજન

જૂનાગઢમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતી ઉજવાશે
PNGEgg

જૂનાગઢ તા. ર૭
કારતક સુદ સાતમ જલારામ જયંતી એટલે રઘુવંશી પરિવારને બીજી દિવાળી, જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા આગામી તા.૨૯ ઓક્ટોબર બુધવારે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ૨૨૬મી જલારામ જન્મ જયંતી પ્રસંગે સામાજિક ,સેવાકીય , જ્ઞાતિ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ૨૯ ઓક્ટોબરના બુધવારે દાતાર રોડ પર આવેલ માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યે જલારામ બાપાની ઝૂંપડી સન્મુખ ૨૨૬ દીવડાની આરતી થશે. શાશ્વત ભૂદેવોનું પૂજન કરી ભોજન પ્રસાદ પીરસવામાં આવશે અને ત્યારબાદ રઘુવંશી પરિવારો માટે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ (નાત) નું આયોજન કરવામાં આવ્યું છે.સવારથી બપોર સુધી યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ગૌસેવા, બીમાર ગાયો પશુ-પક્ષીઓની સેવા કરતી સંસ્થાઓ અને ગૌશાળાને ઘાસચારા દવા અને ચણ માટે ચેક અર્પણ કરવામાં આવશે.મેડિકલ કાર્યક્રમ અંતર્ગત સવારે ૧૧થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી રક્તદાન શિબિર , થેલેસેમિયા પરીક્ષણ અને આર બી એસ (રેન્ડમ બલ્ડ સુગર) ની પણ વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે. રક્તદાન માં એકત્રિત થયેલ રક્ત સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં આપવામાં આવશે. આ ઉપરાંત સવારે ૧૧થી૨:૩૦ વાગ્યા સુધી મહાપ્રસાદ ભોજન કાર્યક્રમમાં ‘જય જલારામનો નાદ ગુંજી ઉઠશે‘.કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જલારામ જયંતી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં  રઘુવંશી પરિવારોએ સહભાગી થવા અને વેપારી ભાઈઓએ ધંધા રોજગાર બંધ રાખી પ્રસંગમાં જાેડાવા લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈએ અનુરોધ કર્યો છે. જલારામ જયંતિ ન દિવસે બુધવારે બપોરે પોસ્ટ ઓફિસ રોડ પર નવનિર્માણ થઈ રહેલ જલારામ મંદિરેથી શોભાયાત્રા નીકળશે તેમાં પણ તમામ ભાવિકોએ જાેડાવવા અનુરોધ કરાયો છે. જૂનાગઢ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા તથા વીરબાઈ માના મંદિરે તા.૨૯ ઓક્ટોબર બુધવારે જલારામ જયંતી નિમિત્તે  ૨૨૬ દીવડાની મહા આરતી, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો દ્વારા જલારામ જયંતીની ઉજવણી થશે.

જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ તા.૨૯ ઓક્ટોબરને બુધવારે જલારામ જયંતી નિમિત્તે હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા તથા વીરબાઈ માંના મંદિરે  સવારે ૭:૩૦ વાગ્યે ૨૨૬ દિવડાની મહા આરતી, તેમજ સવારના ૭:૩૦થી રાત્રે ૯ વાગ્યા સુધી સ્વ. ચીમનલાલ મથુરાદાસ રૂપારેલીયા પરિવાર દ્વારા અન્નકોટ દર્શન થશે.મંદિર પરિસરમાં ‘જય જલારામ ‘નો નાદ ગુંજી ઉઠશે.