જૂનાગઢમાં ‘હું છું રઘુવંશી, રાસ રમઝટ’ ર૦ર૬નો ભવ્ય કાર્યક્રમ
નો ટીકીટ, નો પાસ સાથે જલીયાણનગરી મધુવન પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી સેવા સમીતી દ્વારા આયોજન
(જગડુશા ડી. નાગ્રેચા દ્વારા)
જૂનાગઢ તા. ૯
જૂનાગઢ શહેરમાં આગામી નવરાત્રી ઉત્સવની ભાવભેર ઉજવણી માટે સ્થાનીક ગરબી મંડળોનાં સંચાલકો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. તેમજ વિવિધ સમાજ, જ્ઞાતિઓ દ્વારા પણ રાસોત્સવનાં આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે રઘુવંશી સેવા સમીતી દ્વારા પણ સમાજ સેવા, સંગઠન અને સંકલનની ભાવનાના હેતુ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘હું છું રઘુવંશી, રાસ રમઝટ’ ર૦ર૬ નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સોમનાથ-ધોરાજી બાયપાસ જલારામ મંદિરની આગળ, મધુવન પાર્ટી પ્લોટ ખાતે જલીયાણનગરીનું નિર્માણ કરી અને નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે. આ રાસ રમઝટનાં કાર્યક્રમમાં નો પાસ, નો ટીકીટ રાખવામાં આવી છે. તેમજ સમીતી દ્વારા આપવામાં આવેલા તેજ મસાલા આઈ કાર્ડ સ્પોન્સરનાં આઈ કાર્ડથી એન્ટ્રી આપવામાં આવશે. ખુબ જ વિશાળ આયોજન છે અને અંદાજીત રૂા. ૧૯ થી ર૧ લાખનો ખર્ચ થઈ શકે તેમ છે. ત્યારે રઘુવંશી સમાજનાં તમામ વ્યકિતઓ, પરીવારો દ્વારા યથાશકિત યોગદાન આપી સહકાર આપવા અનુરોધ કરાયો છે. આવો બધા અમે રઘુવંશી બનીએ તે સુત્રને સાર્થક કરવા માટે અનુરોધ કરાયો છે. આ આયોજનને સફળ બનાવવા માટે સંજયભાઈ મશરૂ, ભરતભાઈ સોઢા, માધવ વિઠ્ઠલાણી, નિલેશભાઈ ચંદારાણા, રાજેશ ઠકકર, દિનેશભાઈ રૂપારેલીયા, સુધીરભાઈ અઢીયા, મુનાભાઈ કોટક, હાર્દિકભાઈ પોપટ, ગોપાલભાઈ વિઠ્ઠલાણી, પ્રદિપભાઈ કુંડલીયા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વધુ વિગત માટે સમીતીનાં રસીકભાઈ પોપટ (મો. નં. ૮૪૬૦૧ ૬૬૦૦૦)નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.


