જૂનાગઢ મનપાનું આગામી તા. 18 જૂને જનરલ બોર્ડ : પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ તડાફડી બોલાવશે
જૂનાગઢ તા. 13
જૂનાગઢ શહેરના પ્રાથમિક સુવિધાના વિવિધ પ્રશ્નો તેમજ ગેરરીતી, ભ્રષ્ટાચાર સહીતના મુદે મનપાના વિરોધ પક્ષના નેતા લલીત પણસારા તેમજ કોંગ્રેસ પક્ષના નગર સેવકો દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવે છે તેમજ ચોમાસાની ઋતુને લઈને પ્રિમોન્સુનની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવા માટેની રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ રસ્તાના કામો, પાણીની પાઈપ લાઈન, ગટરની પાઈપ લાઈન, વોકળાની સફાઈ સહીતના અનેક કામગીરી પુરી થઈ નથી અને માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષ દ્વારા સવાલોની જડી વરસાવવામાં આવી રહી છે. દરમ્યાન આગામી તા. 18 જુનના રોજ મનપાનું જનરલ બોર્ડ મળી રહયું છે ત્યારે વિપક્ષ દ્વારા શાસક પક્ષને આકરા સવાલો સાથે ઘેરવામાં આવશે અને પ્રજાકીય પ્રશ્ને ભારે તડાપીટ બોલાવવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મનપાની આગામી તા. 18ના રોજ સાધારણ સભા મળશે જેમાં વિરોધ પક્ષના નગર સેવકોએ શાસકોને ઘેરવા માટે 16 જેટલા પ્રશ્નો જનરલ બોર્ડમાં રજુ કર્યા છે જેમાં ખાસ કરીને સખી મંડળ દ્વારા કરવામાં આવતી સફાઈ કામગીરી, લોકલ ફંડના ઓડીટમાં થયેલ બેદરકારી, નરસિંહ સરોવરમાં રૂા. 1.26 કરોડના વૃક્ષારોપણ પાછળની કામગીરી સહીતના પ્રશ્નોના જવાબ માંગવામાં આવશે. જેમાં કોંગ્રેસના નગર સેવીકા મંજુલાબેન પણસારાએ વર્ષ 2021-22, 2022-23, 2023-24ના વર્ષનુ ઓડીટ અહેવાલની નકલ માંગી છે. તેમજ વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ વોટર વર્કસ શાખા હસ્તકનો હસ્નાપુર ડેમ ખાતે નવી પાઈપ લાઈન જાેડાણ કેટલું બાકી છે, કેટલા સમયમાં કામ પૂર્ણ થશે તેવો સવાલ રજુ કર્યો છે. તેમજ સાથે લોકલ ફંડ દ્વારા ઓડીટ કરવામાં આવેલ જેમાં મનપાને 3377 પારાઓના જવાબ આપવા જણાવ્યું છે છતાં હજુ સુધી અનેક પાસાઓના જવાબ આપવામાં ન આવતા તેમાં બેદરકારી બાબતે કાર્યવાહી કરવા માંગ કરી છે. નગર સેવક સહેનાજબી મહેમદુમીયા કાદરી દ્વારા વોર્ડ નં. 1થી 15માં નવી સ્ટ્રીટ લાઈટ ફીટ કરવાની કામગીરી અંગે એજન્સી અંગે અને જુની સ્ટ્રીટ લાઈટનું શું કરવામાં આવ્યું છે તે અંગે સવાલ કર્યો છે. તેમજ સાથે પાણીના કેટલા કનેકશન આપવામાં આવ્યા છે તે સહીતની વિગતો જનરલ બોર્ડમાં રજુ કરવા માંગ કરી છે.
વધુમાં નગરસેવક રાવણભાઈ પરમારે નરસિંહ મહેતા સરોવરમાં કેટલા માછલાના મોત થયા અને તે અંગે જીવ સૃષ્ટીને નુકશાન અંગે કેટલો દંડ વસુલવામાં આવ્યો તેની માહિતી માંગી છે. નગરસેવક સેનીલાબેન થઈમ દ્વારા મનપા દ્વારા ફુડ ટેસ્ટીંગ લેબોરેટરી હાલ કયાં કાર્યરત છે અને તેમાં અત્યાર સુધીમાં કેવા પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા તે સહીતની માહિતી માંગવામાં આવી છે. સાથે નગર સેવક સાહીદ સીદીક કોતલ દ્વારા એવો પ્રશ્ન રજુ કર્યો છે કે રૂા. 200 કરોડની ગ્રાન્ટ જીએસએફસીને બદલે ખાનગી બેંકમાં જમા કરવા અને રૂા. 8.88 કરોડના વાઉચર ગાયક કરીને પાસબુક, કેશ બેલેન્સમાં તફાવત અંગે જવાબો માંગ્યા છે. આમ વિવિધ 16 જેટલા પ્રશ્નો વિપક્ષ દ્વારા રજુ કરી પ્રશ્નોની ઝડી વરસાવશે.


