જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ના ભાજપના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાએ પ્રાંત અધિકારી સમક્ષ સોગંદનામું રજુ કરી ફોર્મ નં.૭માં શરતચુકથી સહી કરી હોવાનું જણાવી ફોર્મ રદ્દ કરવા જણાવ્યું
જૂનાગઢ તા.૩૧
એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત સમગ્ર રાજયમાં ડ્રાફટ મતદાર યાદી જાહેર થઈ ચુકી છે. પરંતુ ત્યારબાદ ફોર્મ નં.૭ ભરીને મતદારોના નામ કમી કરવા માટે રાજયના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં વ્યાપકપણે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ફોર્મ નં.૭ ભરવામાં આવતા રાજયવ્યાપી ખળભળાટ મચી ગયો છે. હદ તો ત્યાં થઈ ગઈ કે, તાજેતરમાં જૂનાગઢ શહેરમાં પ્રતિષ્ઠિત કલાકાર હાજી રમકડુને કેન્દ્ર સરકારે પદ્મશ્રીનો ખીતાબ આપ્યો છે. તેમનું ફોર્મ પણ રદ્દ કરવા ભાજપના કોર્પોરેટર દ્વારા ફોર્મ નં.૭ ભરીને હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી રદ્દ કરવા જણાવ્યું હતું. તેટલું જ નહીં, ૪-૪ ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા નગરસેવકોના નામ પણ રદ્દ કરવા ભાજપના કાર્યકરો-કોર્પોરેટરોએ ફોર્મ નં.૭ ભરીને ખેલો કર્યો હતો. આ બાબત રાજય ચૂંટણી પંચ તેમજ મુખ્ય ચૂંટણીપંચ સમક્ષ પણ ઉગ્ર રજુઆતો થઈ છે. આખા ગુજરાતમાંથી લગભગ ૧૩ લાખથી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી રદ્દ કરવા ફોર્મ નં.૭ ભરાયા હોવાનું જાણવા મળેલ છે. ત્યારે આ બાબતે ભારે વિવાદ થતાં જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ના કોર્પોરેટર પ્રવીણ તેજાભાઈ વાઘેલાએ એક સોગંદનામું કરીને પોતાની ભુલ સ્વીકારતા સોગંદનામામાં એવું જણાવ્યું છે કે, જૂનાગઢ વિધાનસભાના કોઈપણ બુથમાં ફોર્મ નં.૭ ભરીને આપવામાં આવેલ છે. તે ફોર્મમાં વાંધેદાર તરીકે તેમણે સહી કરેલ છે જે સહી શરતચુકથી થયેલ હોય, જેથી મારી ઉપરોકત તમામ એસઆઈઆરના વાંધા માટેના ફોર્મ નં.૭ જે મારી સહી વાળા છે, તે સહી શરતચુકથી થયેલ હોય, જેથી ફોર્મ નં.૭માં થયેલ મારી સહી રદ્દ કરવા અને ફોર્મ નં.૭ રદ્દ કરવાના કામે આ સોગંદનામું કરૂ છું. આમ ખુદ ભાજપના જ કોર્પોરેટરે ભુલ સ્વીકારી સોગંદનામું કરેલ છે. આ બાબતે આગામી દિવસોમાં વધુ કોઈ કાયદાકીય પ્રક્રિયા થઈ શકે છે તેવું જાણકાર સુત્રોએ જણાવેલ છે.
પ્રાથમીક દ્રષ્ટિએ જ ફોર્મ નં.૭ની માહિતી ખોટી જણાય તો નોંધણી અધિકારી તપાસ કર્યા વગર જ રદ્દ કરી શકે છે
જૂનાગઢ તા.૩૧
ડ્રાફ્ટ મતદાર યાદી સામે દાવા, વાંધા અને સુધારા રજુ કરવાનું ગઈકાલે ૩૦ જાન્યુઆરી એ પૂર્ણ થયું છે. હવે ફોર્મ નં. ૭ માં વાંધા રજુ થયા હોય એની તપાસ અને સુનાવણી હવે પછી થશે. ફોર્મ નં. ૭ ની યાદી ફોર્મ નં. ૧૦ માં રોજે રોજ નોંધણી અધિકારીની કચેરીના નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવે છે તે પ્રસિધ્ધ કર્યા તારીખથી એક અઠવાડીયામાં તે વાંધા યાદી સામે પ્રતિવાંધા રજુ કરી શકાય છે તેથી ગઈકાલે છેલ્લા દિવસે નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ થયેલ ફોર્મ નં. ૧૦ માં જણાવેલ વાંધા યાદી સામે એક અઠવાડિયા સુધી પ્રતિ વાંધા લઈ શકાશે. ફોર્મ નં. ૭ નોંધણી અધિકારીને પ્રથમ દ્રષ્ટિએ જ ખોટા જણાય તો તપાસ કર્યા વગર રદ કરી શકે છે અથવા વાંધો લેનાર અરજદારને વાંધા અંગેના પુરાવા રજુ કરવા કહી શકે છે અથવા વાંધો લેનારને ફોર્મ નં. ૧૩ માં અને જેની સામે વાંધો રજુ થયો છે તે મતદારને ફોર્મ નં. ૧૪ માં નોટીસ આપી, રૂબરૂ સાંભળી, યોગ્ય ર્નિણય કરી શકે છે. જે ‘નો-મેપ‘ મતદારોને નોટીસ આપી મુદત આપવામાં આવી છે એ મતદારો એ નોટીસમાં દર્શાવેલ તારીખે આધાર પુરાવા રજુ કરવાનાં છે. ‘નો-મેપ‘ એ અલગ વિષય છે એને ફોર્મ નં. ૭ સાથે કોઈ લેવા દેવા નથી તેથી ‘નો-મેપ‘ મતદાર સામે ફોર્મ નં. ૭ માં વાંધો રજુ થયો હોય તો પણ એ બાબત ધ્યાને લીધા સિવાય ‘નો-મેપ‘ મતદારે પોતાને મળેલ નોટીસમાં દર્શાવેલ તારીખે આધાર પુરાવા રજુ કરી દેવાનાં રહેશે. ફોર્મ નં. ૭ ના વાંધા અંગે અલગથી નોટીસ આવશે ત્યારે જવાબ રજુ કરવાનો રહેશે. નોંધણી અધિકારી સમક્ષ સોગંદ ઉપર જુબાની અને પુરાવા રજુ કરી, પોતાનો વાંધો સાચો છે એ સાબીત કરવાની સંપુર્ણ જવાબદારી વાંધો લેનારની રહે છે તેમ આધારભૂત સુત્રોએ જણાવેલ છે.


