જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય
જીલ્લા સહકારી બેંકનાં પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન કિરીટ પટેલની કરામત કામ કરી ગઈ : વિજયનાં વધામણા
જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ગઈકાલે યોજાયેલી ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટેની ચુંટણીનું આજે પરીણામ જાહેર થતાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો પર ભાજપનાં વરિષ્ઠ અગ્રણી અને યાર્ડનાં પૂર્વ ચેરમેન કિરીટ પટેલ પ્રેરિત પેનલનાં ઉમેદવારો વિજેતા બનતા કિરીટ પટેલની છાવણીમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અને વિજયનાં વધામણા કરવામાં આવી રહયા છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં સહકારી ક્ષેત્રમાં ખુબ જ મહત્વ ધરાવતા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ભારે ગરમાવો વ્યાપી ગયો હતો. યાર્ડનું શાસન કબ્જે કરવા માટેનાં રાજકીય ખેલ શરૂ થયા હતાં. નિર્ધારીત સમયે ચુંટણી અંગેનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં ચુંટણી પહેલા વેપારી વિભાગમાં ૪ અને સહકારી વિભાગમાં ર મળીને ૬ બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. દરમ્યાન ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ગઈકાલે મતદાન થયુ હતું. જેમાં સાંજનાં પાંચ વાગ્યા સુધીમાં ૯પપ પૈકી ૯૧૪ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ૯પ ટકા મતદાન નોંધાયુ હતું.૧૦ બેઠક માટે કુલ ૧૭ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી જેમાં ભાજપ પ્રેરિત ૧૦ અને આમ આદમી પ્રેરિત ૭ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાઈ હતી. આજે સવારે નિર્ધારીત સમયે મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ચુંટણી અધિકારી એન.ડી. ગોહીલની ઉપસ્થિતિમાં મત ગતણતરી કાર્ય શરૂ થયું હતું અને શાંતિપૂર્ણ કાર્યવાહી બાદ ૩૯ રાઉન્ડનાં અંતે માર્કેટીંગ યાર્ડની ચુંટણીનું પરીણામ જાહેર થતાં તમામ ૧૦ બેઠકો ભાજપને મળી હતી. આ જાહેર થયેલા પરીણામને લઈને ભાજપ પ્રેરીત પેનલને સ્પષ્ટ બહુમતી મળી હતી. અને સહકારી વિભાગની પેનલમાં બિન હરીફ થયેલા કિરીટ પટેલ ફરી એકવાર શાસન ધુરા સંભાળશે તેવી શકયતા જાેવાઈ રહી છે.


