જૂનાગઢ શહેરમાં જર્જરીત ઈમારતો કેટલી? સર્વે થશે ?
જૂનાગઢ તા.11
જૂનાગઢ શહેરમાં સંખ્યાબંધ ઈમારતો જર્જરીત હાલતમાં હોવાનું મનાઈ છે. આવી ઈમારતો ગમે ત્યારે પડે તેવી સંભાવના રહેલી છે. જુદા જુદા વિસ્તારોમાં આવેલી ઈમારતો, મકાનો કેવી હાલતમાં છે તે અંગેનો સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી આમ જનતામાંથી ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં કડીયાવાડ વિસ્તારમાં જર્જરીત બિલ્ડીંગમાંથી પોપડુ પડતા એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા રર જેટલા ટાંકા લેવા પડયા હતા. આ બનાવ બાદ લોકોમાં ભારે રોષ છવાયો હતો. રસ્તા પ્રશ્ને તેમજ જર્જરીત ઈમારત બાબતે લોકો તત્કાલ કાર્યવાહી કરવાની માંગ સાથે રસ્તા ઉપર બેસી ગયા હતા. ધારાસભ્ય સંજય કોરડીયાની દરમ્યાનગીરી અને તંત્ર દ્વારા યોગ્ય કરવાની ખાત્રી બાદ મામલો થાળે પડયો હતો. જૂનાગઢ શહેરમાં રસ્તા ખોદી નાખવાના પ્રશ્નો લગભગ મોટાભાગનાં વિસ્તારોમાં રહેલા છે. તેમજ કડીયાવાડ સહીત શહેરનાં જુદા જુદા વિસ્તારમાં મકાન, ઈમારતો કેટલીક તો ખુબજ જર્જરીત થઈ ગઈ છે. ખાસ કરીને એવી અનેક ઈમારત તેમજ ઘણા મકાનો જે બંધ પડેલા છે અને જર્જરીત અવસ્થામાં રહેલા છે ત્યાં સંભવિત અકસ્માત, દુર્ઘટનાનો ખતરો રહેલો છે જ, કોર્પોરેશન તંત્ર ફકત આવી ઈમારતો કે જર્જરીત મકાનો અંગે નોટીસ પાઠવે અથવા તો બંધ ઈમારતો કે મકાન હોય તો તેના દરવાજે નોટીસ લગાડી જાય છે પરંતુ બીજી કોઈ કાર્યવાહી કરતું નથી તેવી વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં આવેલી અસંખ્ય જર્જરીત ઈમારતો અને બંધ પડેલા મકાનો અંગે કોર્પોરેશન તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવે તે જરૂરી છે. સૌ પ્રથમ તો જૂનાગઢ શહેરમાં કેટલી ઈમારતો અને મકાનો જર્જરીત છે તે અંગેનો વિસ્તારવાઈઝ સર્વે કરવો જરૂરી છે અને આ સર્વે કરાયા બાદ કાંતો આવા મકાનો, ઈમારતો ઉતારી લેવા જાેઈએ અથવા તો આ મકાનો કે ઈમારતો ભયગ્રસ્ત છે તેવી સુચનાઓનાં બોર્ડ મોટા અક્ષરે મકાન કે ઈમારતની આજુબાજુ લગાડવા જરૂરી છે. જેથી આવા મકાનો પાસેથી પસાર થતી વખતે લોકો પુરેપુરી સાવચેતી રાખે અને કોઈ અકસ્માત કે દુર્ઘટનાનો ભોગ ન બને, ચોમાસાનાં દિવસો હવે દુર નથી ત્યારે આ બાબતે મનપા તંત્ર જાગે અને કાર્યવાહી કરે તેવી માંગણી લોકોમાંથી ઉઠવા પામી છે.


