જૂનાગઢ શહેરમાં રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીના રસ્તા-ભુગર્ભ ગટરનું કામ દિવાળી પહેલા પુર્ણ કરી લેવા કમિશ્નરનો વાયદો પુરો થશે ખરો ?

ર૪ કલાક કામગીરી ચાલતી હોવાનો તંત્રનો દાવો જાે સત્ય હોય તો એક માસમાં જ કામગીરી પૂર્ણ થઈ શકે

જૂનાગઢ શહેરમાં રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીના રસ્તા-ભુગર્ભ ગટરનું કામ દિવાળી પહેલા પુર્ણ કરી લેવા કમિશ્નરનો વાયદો પુરો થશે ખરો ?

જૂનાગઢ તા. ર
જૂનાગઢ શહેરમાં રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનાં રસ્તાને ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યુ છે જેને લઈને તહેવારોના આ સમયમાં આ માર્ગ ઉપર આવેલા નાના મોટા તમામ વેપારી ધંધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. અને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની લાગણી વ્યકત થઈ રહી છે. તો બીજી તરફ રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીની જે કામગીરી કરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આ રસ્તાને રપ નવેમ્બર સુધી વાહન વ્યવહાર રાહદારી માટે બંધ કરવામાં આવેલ છે. અને વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને કારણે પણ અવર જવર માટે લોકોને મોટુ ચકકર કાપવુ પડે છે. અને કોર્પોરેશનની આ કામગીરી સામે આક્રોશ પણ લોકોમાંથી જાેવા મળી રહયો છે. તો બીજી તરફ જૂનાગઢ મનપાનાં કમિશ્નર આઈ.આર. વાળાએ ગઈકાલે મિડીયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન સુધીના આ માર્ગ ઉપર ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી માટે કામ શરૂ કરાયુ છે. લોકોને અગવડતા ન પડે તે માટે ડાઈવર્ઝન પણ અપાયું છે. અને કોર્પોરેશનની એવી તૈયારી છે કે વહેલામાં વહેલી તકે આ કામ પુરૂ કરવામાં આવે. મશીનરી અને ઝડપી કામગીરી થાય તે માટેની સતત ર૪ કલાકની કામગીરી કરવામાં આવી રહી છે. અને દિવસમાં અનેકવાર કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહયું છે. આ ભુગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કરવા તેમજ સીમેન્ટ રોડ પણ બનાવી નાખવામાં આવશે અને તે પણ દિવાળી પહેલા જ તેઓ દાવો કમિશ્નરે વ્યકત કર્યો છે. આ ઉપરાંત હીરોના શો રૂમ પાસેની રોડની જે કામગીરી છે તે પણ પુરી કરી લેવામાં આવશે. તેમજ સકકરબાગ પાસે ચાલતી કામગીરી પણ પુરી કરી લેવામાં આવશે. સકકરબાગથી ગાંધી ચોક સુધીના રસ્તાને સીમેન્ટથી મઢી દેવામાં આવશે. અને દિવાળી પહેલા જ આ કામ પુરા કરવામાં આવશે તેવો દાવો કરાયો છે. ઉપરાંત વરસાદને કારણે તેમજ અન્ય કારણોસર જે રસ્તાઓ ખરાબ અને તુટી ગયેલા છે તેના પેચવર્કની કામગીરી પણ જાેરશોરથી હાથ ધરવામાં આવી હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. કમિશ્નરે ર૪ કલાક કામગીરી ચાલતી હોવાનો જે દાવો કર્યો છે અને તે પ્રમાણે જાે કામ કરવામાં આવે તો રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનું કામ માત્રને માત્ર એક મહીનામાં પણ પુરૂ થઈ શકે તેમ છે. સવાલ એ છે કે દિવાળી પહેલા કામગીરી પૂર્ણ કરવાનો જે દાવો કમિશ્નરે કર્યો છે તે સફળ થઈ શકશે ખરો ? તેવો સવાલ ઉઠવા પામેલ છે.