કામધેનુ યુનિવર્સીટીની જૂનાગઢ વેટેરીનરી કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાર દિવસ-૨૦૨૬નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૪
ભારતના ચૂંટણી આયોગની સ્થાપનાના સ્મરણાર્થે દર વર્ષે ઉજવાતા રાષ્ટ્રીય મતદાર દિવસ-૨૦૨૬ નિમિત્તે જૂનાગઢ વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢ ખાતે એન.એસ.એસ. યુનિટ દ્વારા વિશેષ મતદાર જાગૃતિ અને સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ, એન.એસ.એસ. સ્વયંસેવકો, અધ્યાપકમંડળ અને કર્મચારીઓએ મતદાર સંકલ્પ(Voters’ Pledge) લીધો. સંકલ્પ દ્વારા યુવાનોને એ સંદેશ આપવામાં આવ્યો કે મત માત્ર અધિકાર નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણનું શક્તિશાળી સાધન છે. યુવાનોના વિચારો, પસંદગીઓ અને મત દ્વારા દેશની શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને વિકાસની નીતિઓ ઘડાય છે. કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને યુવા મતદારોની ભૂમિકા પર ભાર મૂકતા જણાવવામાં આવ્યું કે જાગૃત, માહિતગાર અને નિષ્પક્ષ મતદાન કરતો યુવાન દેશની લોકશાહીની સાચી તાકાત છે. પ્રથમ વખત મતદાન કરનાર વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધાવા અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારી ડો. સુરેશકુમાર માવદિયા, જૂનાગઢ વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં જવાબદાર નાગરિકત્વ વિકસાવવાનો અને મત દ્વારા રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકા મજબૂત કરવાનો રહ્યો. કાર્યક્રમનો અંત લોકશાહી મૂલ્યો પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા અને “મારો મત - મારૂ ભવિષ્ય - મારૂ ભારત”ના સંકલ્પ સાથે થયો. તદઉપરાંત પશુ શારીરિક ક્રિયા(Physiology) વિભાગમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતીની ભાવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિભાગના વડા ડો. એ. કે. શર્માએ પ્રેરણાદાયક ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણમાં તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન, વિચારધારા તથા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાન પર વિસ્તૃત પ્રકાશ પાડયો હતો.


